રાજ્ય સરકાર કોને પ્રવાસી શિક્ષકો કહે છે ? પ્રવાસી શિક્ષકોને શું લાભ મળશે ?
સોમવારથી સરકારે રાજ્યની તમામ શાળા-કોલેજોને સંપૂર્ણપણે ઓફલાઈન ખોલવાનો નિર્ણય કર્યા બાદ હવે સરકાર સુચારૂં શિક્ષણકાર્ય થઈ રહે તે માટે શિક્ષકોની સંખ્યા અને તેમના કાર્યબળ અંગે પણ મહત્વના નિર્ણય લઈ રહી છે.
કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.
શિક્ષક મંડળે કરેલ માંગણી સામે સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલપુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે અને સામે પક્ષે ધોરણ 6 થી 8ના વર્ગો માટે કુલ 653 માંગણી ની સામે 376 પ્રવાસી શિક્ષકોની ભરતી સરકારે મંજૂર કરી છે એટલેકે રાજ્યભરમાં કુલ 2696 જગ્યાની ભરતીની સામે સરકારે 1549 ખાલી જગ્યા માટે મંજૂરી આપી છે.
પ્રવાસી શિક્ષકોની ભરતી પર એક નજર :
- પ્રવાસી શિક્ષકને કામ સોંપવા અંગે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહિ
- સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું કે પ્રવાસી શિક્ષકોને ચાલુ શૈક્ષણિક કાર્યમાં કોઈ રજા-છૂટ આપી શકાશે નહિ
- શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર જ્યાં તાસ પદ્ધતિ ન હોય ત્યાં મહત્તમ વેતન દૈનિક રૂ. 510 અને માસિક 10,500થી વધે નહિ તે મુજબ ચૂકવણી કરવાની રહેશે
- પ્રાથમિક શાળામાં પ્રવાસી શિક્ષકોએ શાળા ચાલુ હોય તેટલા જ દિવસ કામ કરવાનું રહેશે અને તેટલા દિવસનો જ પગાર ચૂકવાશે