249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત

Crop Damage In Gujarat: ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સરેરાશ 4 ઈંચ જેટલો કમોસમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કમોસમી વરસાદને પગલે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોના ખેતીના પાકને નુકસાન થયું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. અસરગ્રસ્ત જિલ્લામાં કુલ 4800થી વધુ ટીમ દ્વારા હાલ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
મગફળી અને કપાસને સૌથી વધુ નુકસાન
છેલ્લા એક મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી સૌથી વધુ 6 ઈંચ, સૌરાષ્ટ્રમાં 5.50 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 3.25 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 1.75 ઈંચ જ્યારે કચ્છમાં 1.70 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. માવઠાને પગલે સૌરાષ્ટ્રમાંથી મગફળી જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી કપાસના પાકને સૌથી વઘુ નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં 28મી ઓક્ટોબરની સ્થિતિએ 84,94, 390 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જેની સરખામણીએ ગયા વર્ષે આ સમયગાળામાં 84,88,784 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. આમ આ વર્ષે ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો હતો. પરંતુ હવે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને માથે હાથ દઇને રડવાનો વારો આવ્યો છે.

આ વર્ષે મગફળીનું સૌથી વધુ 22.02 લાખ, કપાસનું 20.95 લાખ અને ઘાસચારાનું 9.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્ર 37.71 લાખ, ઉત્તર ગુજરાતમાં 18.08 લાખ, દ. ગુજરાતમાં 7.10 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું હતું. આ વર્ષે અત્યારસુધી ધાન્ય પાકોનું 13.81 લાખ, કઠોળ પાકોનું 4.64 લાખ, તેલીબીયાં પાકોનું 32.04 લાખ, અન્ય પાકોનું 34.43 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું. રાજ્ય સરકારના પ્રાથમિક તારણ અનુસાર માવઠાથી 10 લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે. જો કે, આ આંક હજુપણ ઘણો ઊંચો જાય તેમ મનાઈ રહ્યું છે.

