ગુજરાતના રાજ્યપાલની ખેડૂતોને ચેતવણી, પ્રાકૃતિક ખેતી નહીં કરો તો જમીન કસહીન બની જશે
Gujarat Governor : જમીનનો કસ જાળવી રાખવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે. રાસાયણિક ખાતરનો ભરપૂર વપરાશ કરનારા ખેડૂતો જમીનના બેક્ટેરિયાને અને ખેડૂત મિત્ર ગણાતા અળસિયાને ખતમ કરી રહ્યા છે. આ સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયા જમીનનો કસ જાળવી રાખવાની, બીજનો છોડમાં રૂપાંતરિત કરીને પોષણ આપવાની અને જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવાની સાથોસાથ જમીનમાં જળ સંચય કરવાની કુદરતી વ્યવસ્થા ઊભી કરી આપે છે.
પરંતુ વઘુ પાક લેવાની લાયમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો વઘુનો વઘુ ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને ખતમ કરી રહ્યા છે. જમીન ઉપરાંત જળસ્રોતોને તથા હવાને પણ ખરાબ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ નહી વળે તો જમીન કસહીન અને અનાજ-શાકભાજી કે ફળની ઉપજ ન આપે તેવી બની જશે. તેમાં ખેડૂતો કશું જ ઉગાડી શકશે નહી.
જમીનને ફળદ્રુપ રાખવાની કામગીરી કરતાં સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાં જ રાસાયણિક ખાતરના અતિઉપયોગથી ખતમ થઈ ગયા હોવાની ચેતવણી
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરથી અને જંતુનાશકોથી કરવામાં આવતી ખેતી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વકરાવવામાં પણ જવાબદાર છે. રાસાયણિક ખાતરમાં આપવામાં આવતા નાઈટ્રોજનમાં ઓક્સેજન ભળતો તેમાંથી નાઈટ્રિક ઓક્સાઈડ બને છે. આ નાઈટ્રિક ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડથી 312 ગણો વધારે ખતરનાક છે. જૈવિક ખેતીનો આશરો લેનારાઓની ખેતીને કારણે વાતાવરણમાં મિથેન ગેસનો ખાસ્સો વધારો થઈ રહ્યો છે.
તેની અસર પણ ક્લાઈમેટ ચેન્જ પર પડી રહી છે. ખેતરમાં નાખવામાં આવતા રાસાયણિક ખાતરના 50 ટકા સત્વો જ જમીનમાં શોષાય છે. બાકીના 50 ટકા સત્વ હવાને દૂષિત કે ઝેરી બનાવે છે. તેની સામે પ્રાકૃતિક ખેતી અર્તવોર્મ એટલે કે દેશી અળસિયાની વસતિમાં વધારો કરે છે. આ અળસિયા જમીનમાં 10થી 12 ફૂટ ઊંડા ઉતરીને ફરી ઉપર આવે છે.
આ પ્રવાસ દરમિયાન તે મોટી ખાઈને મોટી બહાર કાઢે છે. તેના શરીરમાંથી બહાર નીકળતી માટીમાં ફોસ્ફેટ, પોટાશ સહિતના ખનીજ દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને ખેતરમાં ઊભેલા પાકને પોષણ આપવાનું કામ કરે છે. આમ પ્રાકૃતિક ખેતી જ જમીનને ઉપજાઉ રાખવાનો એક માત્ર વિકલ્પ છે.
આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે એક અળસિયું તેના જીવનકાળ દરમિયાન બીજા 40,000થી 50,000 અળસિયા પેદા કરે છે. ગાયના એક ગ્રામ ગોબરમાં ત્રણસો કરોડ સૂક્ષ્મ જીવાણુઓ હોવાનું જોવા મળ્યું છે. આમ એક કિલો ગાયના છાણમાં 30 લાખ કરોડ સૂક્ષ્મ જીવાણું જોવા મળે છે. આ જીવાણુઓ દર વીસ મિનિટે બમણા થાય છે. આ પ્રક્રિયા 60થી 72 કલાક ચાલે છે.
આ પ્રક્રિયા જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીનના ખનીજ દ્રવ્યોને છોડને પોષણ આપતા ઘટકોમાં રૂપાંતરિત કરી આપવાની કામગીરી કરે છે. તેમ જ હવામાના નોઈટ્રોજનને પણ શોષીને છોડને માટે પોષક નાઈટ્રોજન બનાવી આપે છે. આમ અળસિયા દરેક રીતે વૃક્ષ અને છોડને જોઈતું ભોજન બનાવી આપવાની કામગીરી કરે છે.
પરંતુ રાસાયણિક ખાતરના ઉપયોગના અતિરેકને પરિણામે વૃક્ષોપયોગી બેક્ટેરિયા અને અળસિયાની સંખ્યા ઘટી ગઈ છે. તેથી જમીન કસહીન અને કઠ્ઠણ બની રહી છે. તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. એક જમાનામાં એક એકરમાં 13 કિલો યુરિયા કે ડીએપી નાખવું પડતું હતં. આજે 650 કિલો યુરિયા કે ડીએપી નાખ્યા પછી પણ સારી ઉપજ આપી શકતી નથી. રાસાયણિક ખાતરથી કરવામાં આવતી ખેતીની ઉપજ પણ સતત ઘટી રહી છે.