Get The App

ભંગાર સાઈકલોનું વિતરણ કરી ગુજરાત સરકારે વાહવાહી લૂંટી, મળતિયાઓને 8 કરોડનો ફાયદો

Updated: Feb 28th, 2025

GS TEAM


Google News
Google News
ભંગાર સાઈકલોનું વિતરણ કરી ગુજરાત સરકારે વાહવાહી લૂંટી, મળતિયાઓને 8 કરોડનો ફાયદો 1 - image


Saraswati Sadhana Yojana: સરસ્વતી સાધના યોજના જેના હેઠળ એસસી, એસટી અને ઓબીસી સમાજની દીકરીઓ આજે સાઈકલોથી વંચિત રહી છે. લાખો સાઈકલો ભંગાર અવસ્થામાં પડી રહી છે. શાળાની શરૂઆત જુન મહિનામાં થાય પ્રવેશોત્સવ યોજાય છે. વિદ્યાર્થીનીઓને જુન મહિનામાં સાઈકલ મળી જવી જોઈએ પણ સમયસર સાઈકલ અપાતી નથી. ગુરૂવારે (27મી ફેબ્રુઆરી) વિધાનસભા ગૃહમાં સાઈકલનો મુદ્દો ચમક્યો હતો. વિપક્ષનો આક્ષેપ કર્યો હતો કે, 'સરકારને વિદ્યાર્થિનીઓની નહીં, પરંતુ બદલે માનીતી એજન્સીઓની ચિંતા છે.  સાઈકલની ખરીદીનું  સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ છે. એટલુ જ નહીં, અન્ય રાજ્ય કરતાં વઘુ મોઘી સાઇકલ ખરીદીને મળતિયાઓને આઠ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો કરી દેવાયો છે. એટલુ જ નહીં, પૈસાની લાલચ માટે સાઈકલ ખરીદીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે.

સાઈકલનો ક્વોલિટી રિપોર્ટ જાહેર કરો

સરસ્વતી સાધના યોજનામાં 2023-24માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા 1 લાખ 70 હજાર સાઈકલ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. જેની ખરીદીની સત્તા ગ્રીમકોને અપાઇ છે. સાઈકલનું સ્પેશીફીકેશન અને કંડીશન છે કે નહીં એ વર્ષોથી કમિટી SPC નક્કી કરે છે. પરંતુ માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્પેશીફીકેશન અને કંડીશનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે કંપની રાજસ્થાનમાં એક સાઈકલ 3857 રૂપિયા આપે છે એ જ સાઈકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે.

આમ એક સાઈકલે 500 રૂપિયા વધારે  ચૂકવાય છે. ટૂંકમાં 1.70 લાખ સાઈકલો એટલે કે 8 કરોડ રૂપિયા વધુ ચુકવવા પાછળનું કારણ શું છે? એનો સરકાર જવાબ આપે તેવી વિપક્ષના નેતાએ માંગ કરી હતી. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, સાઈકલની ખરીદી પ્રક્રિયા મે-2023માં થવી જોઈએ. ખરીદી પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થાય છે. શૈક્ષણિક વર્ષ એપ્રિલ 2024માં વર્કઓડર અપાય છે, ડીલીવરી થાય છે. સાઈકલો ગ્રીમ્કોના વેરહાઉસમાં પહોંચે છે, ત્યારબાદ એના સ્પેશીફીકેશન મુજબ ગુણવત્તા, ક્વોલીટી ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક ક્વોલીટી ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા દ્વારા તપાસ થાય છે, જેમાં સ્પેશીફીકેશન બીડમાં હતું એ મુજબની ગુણવત્તા જોવા મળી ન હતી. આ કારણોસર સાઈકલો ગ્રીમ્કોના ગોડાઉનમાં પડી રહી છે. હજુ સુધી એક પણ વિદ્યાર્થીની સુધી સાઈકલ પહોંચી નથી. 

આ પણ વાંચો: જૂનાગઢ રવાડીમાં પરંપરા તૂટી,ગૃહમંત્રીનો કાફલો જૂતાં પહેરી ટહેલતા સાધુઓએ પિત્તો ગુમાવ્યો

ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે. જે રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા 425 રૂપિયા વધુ હોય એ બાબતે એલ્વન કંપની દ્વારા જસ્ટીફીકેશન આપવામાં આવેલા કે યોગ્ય રીતે જણાતું નથી. એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજૂરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવે છે. તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, ગરીબ દીકરીઓ માટે કરાતી સાઈકલ ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયની સીધી સંડોવણી અને સુચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ગ્રીમ્કોએ 11મી માર્ચ 2024 ના રોજ આ સાઈકલો માટેનું વર્ષ 2023-24નું ટેન્ડર રદ કરવાનો પત્ર લખવામાં આવેલો. ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે છે છતાં ટેન્ડર રદ કરવાની ભલામણ સ્વીકારવામાં ના આવી.

સરકાર કૌભાંડીઓને છાવરી રહી છે

હજારો સાઇકલ વરસાદમાં પલળતી રહી, કાટ ખાઈ ગઈ, ભંગાર થઇ ગઈ છે. વારંવાર તપાસની માંગણી કરી, પત્રો લખ્યા. એટલુ જ નહીં, મંત્રી ષિકેશ પટેલે સમગ્ર પ્રકરણની તપાસની કરવાની જાહેરાત કરી પણ બે વર્ષ થયાં. હજુ સરકાર કૌભાંડીઓને છાવરી રહી છે. 

સરકાર પાસે સાઈકલ રાખવા માટે સુરક્ષિત જગ્યા નથી!

સરસ્વતી સાધના યોજના હેઠળ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કેસરી રંગની સાઈકલની ગુણવત્તા જ નહીં, ખરીદી મુદ્દે સવાલ કરી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાતનો એકરાર કર્યો કે, 'હજારોની સાઇકલો રાખવી ક્યાં, ખુલ્લામાં સાઈકલ હોય અને ભારે વરસાદ પડે તો સ્વભાવિક રીતે કાટ લાગી જાય. કાટ લાગી જતાં સાઈકલને કલર કરવો પડ્યો છે. મોટી સંખ્યામાં સાઈકલ હોય તો ક્યાં રાખવી? ખુલ્લા મેદાનમાં રાખી હોય અને ભારે વરસાદ પડે તો કાટ લાગે એ સ્વભાવિક છે.' મંત્રીનો આડકતરો ઇશારો હતો કે, સરકાર પાસે સાઈકલ રાખવા માટે સુરક્ષિત જગ્યા નથી. ટૂંકમાં, ભંગાર અવસ્થામાં પડેલી સાઈકલોને કલરકામ કરીને વિદ્યાર્થીનીઓને આપી દેવામાં આવી છે તેવી વિપક્ષની વાત સાચી ઠરી છે. આ પ્રશ્ને વિધાનસભા ગૃહમાં વિવાદ થાય તેવી સંભાવનાને જોતાં મંત્રી ભિખુસિંહ પરમારને બદલે ગૃહમંત્રી જવાબ આપવા મેદાને ઉતર્યા હતાં.

ભંગાર સાઈકલોનું વિતરણ કરી ગુજરાત સરકારે વાહવાહી લૂંટી, મળતિયાઓને 8 કરોડનો ફાયદો 2 - image

Tags :