Get The App

ગુજરાત સરકારે 11 વર્ષમાં જાહેર ખબર પાછળ 880 કરોડનો ધૂમ ખર્ચો કર્યો, RTIમાં ખુલાસો

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકારે 11 વર્ષમાં જાહેર ખબર પાછળ 880 કરોડનો ધૂમ ખર્ચો કર્યો, RTIમાં ખુલાસો 1 - image


Rs. 880 crore on Advertisement: ગુજરાત સરકારે વિતેલા એક દાયકામાં પોતાનો રાજકીય ચહેરા ચમકાવવા આઠ અબજ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. રાજ્ય સરકારે પોતે માહિતી અધિકાર નિયમન હેઠળ આ હકીકત જાહેર કરી છે. જાહેર પ્રચાર-પ્રસાર અંગે RTI હેઠળ સરકાર પાસે માંગવામાં આવેલી માહિતીમાં નાણાકીય વર્ષ 2014-15થી 2024-25 દરમિયાન પ્રતિ ન પ્રતિ વર્ષ સરેરાશ 80 કરોડ લેખે 11 વર્ષમાં 880 કરોડ રૂપિયાની જંગી રકમનો ખર્ચ થયો હોવાનું જણાવાયું છે. સરકારની વિજ્ઞાપન શાખા દ્વારા 409.44 કરોડ અને ફિલ્મ પ્રોડકશન શાખા દ્વારા 470.24 કરોડ રૂપિયા એક દાયકામાં ખર્ચ કર્યા છે. 

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી પ્રત્યેક સરકારી યોજનાનો ભરપૂર પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના નામે જાહેર ખબર છપાવવામાં આવે છે. જન કલ્યાણના નામે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયામાં એક પ્રકારે સરકારનું બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારની વાહવાહી કરવા પાછળ વર્ષે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યાં હોવાનું તાજેતરમાં આરટીઆઈ હેઠળ જાહેર થયેલા આંકડા ઉપરથી સ્પષ્ટ થયું છે. 

કલ્યાણકારી યોજના કે વિશેષ દિવસની ઉજવણી પાછળ સરકારે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો છે. માત્ર પ્રચાર-પ્રસાર પાછળ પાણીની જેમ થયેલા ખર્ચ બાદ અલગ અલગ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવા પાછળ થયેલા ખર્ચનો આંકડો હજી ઊંચો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 

આરટીઆઈ હેઠળ માંગવામા આવેલી માહિતી આપવામાં રાજ્ય સરકારના જાહેર માહિતી અધિકારી તરફથી સ્પષ્ટ ઈન્કાર કરવામાં આવ્યો હતો, જેને પગલે અપીલ અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી હતી. તેમણે પણ આ અરજી નકારી કાઢી હતી. છેવટે અરજદાર દ્વારા ગુજરાત માહિતી આયોગના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. માહિતી આયોગે કરેલા હુકમને પગલે તમામ માહિતી જાહેર કરવાની ફરજ પડી હતી.
ગુજરાત સરકારે 11 વર્ષમાં જાહેર ખબર પાછળ 880 કરોડનો ધૂમ ખર્ચો કર્યો, RTIમાં ખુલાસો 2 - image
ગુજરાત સરકારે 11 વર્ષમાં જાહેર ખબર પાછળ 880 કરોડનો ધૂમ ખર્ચો કર્યો, RTIમાં ખુલાસો 3 - image

ગુજરાતના પ્રત્યેક નાગરિકના માથે 66,000 રૂપિયાનું જાહેર દેવું 

નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતનું જાહેર દેવું વધીને રૂ. 3,99,633 કરોડ થયું છે. જે વર્ષ 2023-24માં રૂ. 3,77,962 કરોડ હતું. એટલે કે ગુજરાતના પ્રત્યેક નાગરિકના માથે 66,000 રૂપિયાના દેવાનું ભારણ થયું છે. જાહેર દેવાની રકમ તબક્કાવાર વધી રહી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રચાર પ્રસારમાં જંગી રકમનો ખર્ચ કરીને જનતા પરનો બોજો વધારાઈ રહ્યો છે. 

Tags :