પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઇન પોર્ટલ પર કરી શકશે અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા

Relief Package How to Apply : રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે.
કેવી રીતે મેળવી શકાશે કૃષિ રાહત પેકેજનો લાભ
આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ https://krp.gujarat.gov.in/ પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.
- ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.
- આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બૅન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
- આ માટે 16,500 થી વધુ ગામોનું ઓનલાઇન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે.
સહાયની ચૂકવણી સીધી બૅન્ક ખાતામાં
આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાયની રકમ PFMS/RTGS મારફત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી સીધી લાભાર્થી ખેડૂતના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે રાજ્યના 16,500થી વધુ ગામોનું ઓનલાઇન પોર્ટલ સાથે મેપિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
કૃષિમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, 'નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે, તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણી માટેની કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.'

