Get The App

'જોઈએ છે એક વાઘણ': રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
'જોઈએ છે એક વાઘણ': રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ 1 - image


Tiger in Gujarat: દાહોદના રતનમહાલ અભયારણ્યમાં મધ્યપ્રદેશ તરફથી આવી ચડેલા નર વાઘના કાયમી વસવાટ માટે ગુજરાત સરકારે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ આ બાબતે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વાઘની અવરજવરની નોંધ કરવામાં આવી છે. આ વાઘને જીવનસાથી પૂરી પાડીને તેને કાયમી વસવાટ કરાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ફેબ્રુઆરી 2025થી મધ્યપ્રદેશ તરફથી આવી ચડેલો એક નર વાઘ કાયમી વસવાટ કરી રહ્યો છે. જોકે, હવે આ વાઘના કાયમી વસવાટ અને વંશ વધારવાના ગુજરાત સરકારના આયોજનમાં એક મહત્વની કડી ખૂટે છે, અને તે છે 'વાઘણ' અથવા તેના જીવનસાથીની.

જંગલો બદલવાનું કારણ: સાથીદારનો અભાવ

ગુજરાતમાં આવેલો આ વાઘ દાહોદ જિલ્લાના રતનમહાલ, છોટાઉદેપુર જિલ્લાના ડોલારિયા રેન્જ તેમજ મધ્યપ્રદેશના જંગલોમાં ફરતો જોવા મળી રહ્યો છે. વન વિભાગના સૂત્રોના મતે, વાઘ સતત જંગલો બદલી રહ્યો છે, જેનું મુખ્ય કારણ તેની સાથીદારની જરૂરિયાત પૂરી ન થવી છે. જો તેને તેની જરૂરિયાત પૂરી કરતો સાથીદાર ન મળે તો તે આક્રમક મૂડમાં આવી જાય છે અને તેની ગર્જનાઓ આસપાસના વિસ્તારોમાં સંભળાય છે. જો વાઘને જીવનસાથી મળે તો તે આ વિસ્તારમાં સ્થિર થઈ શકે તેમ છે.


નર વાઘ માટે જીવનસાથીની માગ

રાજ્યના વન મંત્રીના જણાવ્યા અનુસાર, અગાઉ પણ રતનમહાલ અભયારણ્યમાં વાઘ અવરજવર કરતા હતા. આ ઇતિહાસને ધ્યાનમાં રાખીને અને હાલમાં વાઘની મૂવમેન્ટ દેખાતા, ગુજરાત સરકારના વન વિભાગે કેન્દ્ર સરકારના નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ને પત્ર લખ્યો છે. જેને લગભગ એક મહિના જેટલો સમય થયો છે. વાઘને કાયમી વસવાટ કરાવી ગુજરાતના વાઘના નિવાસસ્થાન તરીકે રતનમહાલ-છોટાઉદેપુર વિસ્તારને વિકસાવવાના આયોજનના ભાગરૂપે આ  કાર્યવાહી હાથ ધરી છે અને કેન્દ્રીય વન મંત્રાલયને પત્ર લખીને રતનમહાલમાં વસવાટ કરી રહેલા વાઘ માટે વાઘણ પૂરી પાડવા વિનંતી કરી છે.

પત્રમાં મુખ્યત્વે બે માંગણી કરવામાં આવી છે

NTCAની એક ટીમને આ વિસ્તારમાં મોકલીને 'મેપિંગ' (વસવાટની શક્યતાઓ અને વિસ્તારની યોગ્યતાનું સર્વેક્ષણ) કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. મેપિંગ બાદ આ નર વાઘ માટે એક વાઘણ પૂરી પાડવાની પણ માંગણી કરવામાં આવી છે, જેથી તે કાયમી વસવાટ કરી શકે અને વંશ વધારી શકે.

પ્રક્રિયામાં વિલંબ?

વનવિભાગને આ વાઘની તમામ જાણકારી હોવા છતાં, સાથીદાર પૂરો પાડવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત મોકલી છે તેને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. પરંતુ કેન્દ્રની ટીમ આવીને ચકાસણી કર્યા બાદ રિપોર્ટ મોકલે ત્યારબાદ જ વાઘણ આવી શકે તેમ છે, તેવું સુત્રોનું કહેવું છે.

મધ્યપ્રદેશમાંથી જ વાઘણ લાવવી પડશે

અધિકારીઓનું માનવું છે કે, આ વાઘ મધ્યપ્રદેશથી આવ્યો હોવાથી, મધ્યપ્રદેશમાંથી જ વાઘણ લાવવાનું પસંદ કરવામાં આવી શકે છે કારણ કે બંને માટે જંગલની ભૂમિ અને વાતાવરણ સમાન છે. હાલમાં છોટાઉદેપુર વનવિભાગની ટીમો જંગલોમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ વાઘની જરૂરિયાત વહેલી તકે પૂરી કરવામાં આવે તે જરૂરી છે, જેથી તે ગુજરાતના જંગલોમાં કાયમી વસવાટ કરી શકે અને અહીં વાઘોની વસ્તી વધારવામાં મદદરૂપ થાય.