Get The App

ગુજરાત સરકારે ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા, IT સેક્ટર વધુ સક્ષમ બનશે

ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી

દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે

Updated: Mar 22nd, 2023

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારે ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા, IT સેક્ટર વધુ સક્ષમ બનશે 1 - image



ગાંધીનગર, 22 માર્ચ 2023

ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા  ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે.ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ.  બુધવારે ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી.

તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે

આ એમ.ઓ.યુ. અન્વયે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે. દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે. એટલું જ નહિ ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લીટરસી વધારવા સાથે બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ-સ્કીલિંગને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.

રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે આઈ.સી.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી 2022-27 ઘડી છે, તેમ જ આ પોલિસીએ આઈ.ટી. ઉદ્યોગના સમગ્ર લેન્ડસ્કેપમાં આકર્ષણ ઊભું કર્યું છે તેની વિસ્તૃત વિગતો  આ પ્રસંગે આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર પણ હોય એવા નિર્ધાર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની નેમ રાખી છે તે રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલ થી સાકાર કરી છે. તેમણે ગુજરાત સાથે ગુગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગુગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તેમણે ખાતરી આપી હતી.

આઈ.સી.ટી. સેક્ટરને વધુ સક્ષમ બનાનવાશે

ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે ગુગલ સાથે આ અગાઉ કરેલા એમ.ઓ.યુ. અન્વયે ત્રણ પહેલ બી ઈન્ટરનેટ અવેસમ(Be Internet Awesome), વીમેન વીલ(Women Will) અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમોનો 10 હજારથી વધુ મહિલાઓ, શાળાના બાળકો, યુવા ડેવલપર્સે લાભ મેળવ્યો છે. આ એમ.ઓ.યુ.ને મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના ધ્યેય સાથે હવે આઈ.સી.ટી. સેક્ટરને વધુ સક્ષમ બનાવવાની દિશામાં આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. સંપન્ન કરવામાં આવ્યા છે.

સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી દિશા-નવું બળ આપશે

આ પ્રસંગે ગુગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલા સર્વગ્રાહી વિકાસ અને ખાસ કરીને સાયન્સ સિટીની ગતિવિધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત યુવા ઉદ્યોગસાહસિકો માટે કેન્દ્રબિંદુ છે, ત્યારે ગુજરાત સાથેની આ સહભાગીતાથી ગુગલ વિશ્વ સર કરવા ઉત્સુક છે. સંજય ગુપ્તાએ બાળકો અને મહિલાઓને ઉજ્જવળ ભવિષ્યના પાયા ગણાવતાં એમ પણ કહ્યું કે, ગુજરાતમાં છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલા આઈ.ટી. નેટવર્કનો બહોળો લાભ આ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી દિશા-નવું બળ આપશે.


Tags :