વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના
PT Teacher Recruitment: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી, લાયકાત અને વયમર્યાદા અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના 35 દિવસના આંદોલનના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિટી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારે હવે કમિટીની રચના અંગે શૈક્ષણિક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે. ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે. તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો મળે.
વ્યાયામ શિક્ષકોની ભરતી માટે બનાવાઈ કમિટી
મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હવે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારના શિક્ષણ વિભાગની ખેલ સહાયક યોજનામાં દરેક નિયમોમાં વિસંગતતા હોવાના કારણે તેને રદ કરવાની અને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની મુખ્ય માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 1થી 8ના પ્રાથમિક વિભાગમાં તો વ્યાયામ શિક્ષક હોવા એ અનિવાર્ય હોવા છતાં સરકાર દ્વારા ભરતી ન કરાતી હોવાના આક્ષેપ શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા.
આ ઓછું હોય તેમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં 11 મહિનાના કરાર આધારિત વ્યાયામ શિક્ષકો માટે વિટંબણાઓનો કોઈ પાર રહ્યો નથી. તેમને વર્ષમાં ચાર મહિનાથી વધુ સમય ઘરે બેસી રહેવાનું થાય છે. પરિણામે પરિવારનો જીવન નિર્વાહ કેવી રીતે કરવો તે પ્રશ્નો સામે આવ્યા છે. નજીવા વળતર સાથેની નોકરીમાં પણ અનિશ્ચિતતાની સાથે કેવી રીતે કામ કરી શકાય તે વાત એર કન્ડિશન્ડ ચેમ્બરમાં બેસી રહેલાઓને સમજાઈ રહી નથી.