ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક 4 ટકાના વ્યાજે રૂ. 15 લાખની લોન આપશે, જાણો અરજી પ્રક્રિયા
Education Loan Scheme: ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની કારકિર્દીને પાંખો આપી છે. ત્યારે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના 14,993 વિદ્યાર્થીઓને રૂ. 2182.43 કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે. બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-12 પછી વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અમલી બનાવાઈ છે.
રૂ. 2182.43 કરોડની લોન મંજૂર
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવાઈ છે. વર્ષ 2018થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 14,993 વિદ્યાર્થીઓને રૂ. 15 લાખ લેખે કુલ રૂ. 2182.43 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના વધુમાં વધુ બે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ આપવામાં આવેલી લોનમાં રૂ. પાંચ લાખ સુધીની કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1 વર્ષ છૂટ બાદ પાંચ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે. જ્યારે રૂ. પાંચ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ છૂટ બાદ છ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે.