Gujarat

MSU VCની નિમણૂંકઃ ગુજરાતના નવ ઉમેદવારોનો સરકારે છેલ્લી ઘડીએ છેદ ઉડાડી દીધો

By GS Team
21 Aug 20252 mins read
This article was originally published on 21 Aug 2025
MSU VCની નિમણૂંકઃ ગુજરાતના નવ ઉમેદવારોનો સરકારે છેલ્લી ઘડીએ છેદ ઉડાડી દીધો

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની પસંદગી પ્રક્રિયા શરુ થઈ તે પછી ૭૦ કરતા વધારે ઉમેદવારોએ સર્ચ કમિટિને બાયોડેટા સુપરત કર્યા હતા.સૂત્રોનું કહેવું છે કે, પસંદગી પ્રક્રિયા પૂરી થતા સુધીમાં નવ નામ  નવા વાઈસ ચાન્સેલર બનવા માટેની રેસમાં સૌથી આગળ હતી.આ તમામ ઉમેદવારો ગુજરાતના જ હતા.જેમાંથી પાંચ અધ્યાપકો એમ.એસ.યુનિવર્સિટીના હતા.

આ નવ નામોમાં ગુજરાત યુનિવર્સિટીના જગદીશ જોષી, ટેકનિકલ વિભાગના જોઈન્ટ ડાયરેકટર સચિન પરીખ, એસ પી યુનિવર્સિટીના રમેશ મકવાણા, જૂનાગઢ યુનિવર્સિટીમાં તાજેતરમાં વાઈસ ચાન્સેલર તરીકે મૂકાયેલા પ્રભાતસિંહ ચૌહાણ તેમજ એમ.એસ.યુનિવર્સિટીના જ કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર પ્રજ્ઞોશ શાહ, સ્ટેટેસ્ટિક વિભાગના પ્રોફેસર મુરલીધરન, સાયન્સ ફેકલ્ટીના પૂર્વ ડીન અને હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.હરિભાઈ કટારિયા, કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર અંજલી પટેલ તથા વર્તમાન ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલના નામનો સમાવેશ થતો હતો.આ પૈકીના જ કોઈ એકની નિમણૂક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે થશે તે નિશ્ચિત હતું.એમ.એસ.યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોની શૈક્ષણિક લાયકાત પણ ઘણી વધારે હતી.પણ છેલ્લી ઘડીએ સરકારે આ તમામ નામાનો છેદ ઉડાડી દીધો હતો અને મુંબઈના પ્રોફેસર બી એમ ભનાગેની પસંદગી કરી છે.

આરએસએસની ભગિની સંસ્થા સાથે સંકળાયેલા છે

અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે પ્રો.ભનાગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગિની સંસ્થા વિજ્ઞાાન ભારતી સાથે સંકળાયેલા છે અને આરએસએસના કનેક્શનના કારણે અન્ય અધ્યાપકોને બાયપાસ કરીને સરકારે તેમની નિમણૂક કરી છે.એવું પણ ચર્ચાય છે કે, સર્ચ કમિટિએ તો છેલ્લી ઘડી સુધી અગાઉના વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવનું નામ પકડી રાખ્યું હતું.જોકે શહેર ભાજપ સંગઠને તો આ નામ નહીં જ ચાલે તેવું સરકારને સ્પષ્ટ પણ કહી દીધું હતું.પ્રો.ભનાગે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેેમેસ્ટ્રી વિભાગની બોર્ડ ઓફ સ્ટડીઝમાં ૬ વર્ષ માટે એકસ્ટર્નલ મેમ્બર તરીકે પણ રહ્યા છે.