Mukhyamantri Paushtik Alpahar Yojana: ગુજરાત સરકારે 'પઢાઈ ભી,પોષણ ભી'ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર આ યોજના ક્યારે અમલમાં લાવશે તે અંગેની માહિતી જ આપી નથી.
આ વિદ્યાર્થીઓને નાની રિસેસમાં પૌષ્ટિક અલ્પાહાર અપાશે
રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા અને બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. ત્યારે આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછી નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.
આ પણ વાંચો: સાવલી-ઉદલપુર રોડ પર અકસ્માત, બે બાઈક સામસામે અથડાતા એક જ ગામના બે યુવાનોના મોત
આ અલ્પાહાર અપાશે
સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતનમાં વધારો કરાયો
મટીરિયલ કોસ્ટ માટે 493 કરોડ રૂપિયા તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની કામગીરી માટે 50 ટકા માનદ વેતન વધારા કરાયો છે. તેના માટે 124 કરોડ રૂપિયા મળીને 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' માટે વાર્ષિક 617 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
પીએમ પોષણ યોજનાના સંચાલકને હવે 4500 રૂપિયાનું માસિક વેતન આપાશે. આ ઉપરાંત 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક 3750 રૂપિયા. જ્યારે નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક 1500 માનદ વેતન આપવામાં આવશે.
આ યોજના ક્યારે અમલમાં આવશે?
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ આ યોજના ક્યારે અમલમાં આવશે તે અંગેની કોઈ પણ તારીખની જાહેરાત કરાઈ નથી.


