ખેડૂતો માટે ખુશખબર! ગુજરાત સરકારે આ પાકોને ટેકાના ભાવે ખરીદવા આપી મંજૂરી
ગુજરાત સરકાર 1 એપ્રિલથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરુ કરશે
તુવેર, ચણા અને રાયડાના પાકને 10 માર્ચ 2023 થી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદવામાં આવશે
Image: Pixabay |
આજે ખેડૂતોને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતું, પ્રમાણસહ અને સમયસર વળતર મળી રહે તે માટે તૈયારીસહ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર 1 એપ્રિલથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરુ કરશે.
ટેકાના ભાવની ખરીદી માટેનો સમય 1 એપ્રિલથી 15 જૂન સુધી ચાલશે
આજથી ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરુ થઇ ગયા છે. 31 માર્ચ સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ટેકાના ભાવની ખરીદી માટેનો સમય 1 એપ્રિલથી 15 જૂન સુધી ચાલશે.
1 માર્ચથી 31 માર્ચ 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તારીખ 1 માર્ચથી 31 માર્ચ 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકે છે. જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.
તુવેર, ચણા અને રાયડાના પાકને 10 માર્ચ 2023 થી 90 દિવસ સુધી ટેકાના ભાવે કરવામાં આવશે ખરીદી
આ પહેલા પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે કરવામાં આવ્યો હતો. તુવેર, ચણા અને રાયડાના પાકને 10 માર્ચ 2023 થી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં સહાય મુદ્દે મળી મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈ, તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં સહાય મુદ્દે મંજૂરી આપવામાં આવી છે.