Khelo India : મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે તા. 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ શાનદાર અને ગૌરવસભર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ ઝોનના 8 રાજ્યોની વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ કેટેગરીઝ અને ઇવેન્ટ્સમાં કુલ 495 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત તરફથી કુલ 31 મહિલા ખેલાડીઓ, 3 કોચ, એક રેફરી અને એક અધિકારી સાથે ટીમે ભાગ લઈ સ્પર્ધામાં કુલ 20 મેડલ જીત્યા હતા. જેમાં 11 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિના પરિણામે ગુજરાતે સેકન્ડ રનર-અપ ટ્રોફી પોતાના નામે કરી, જે ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગના ઇતિહાસમાં રાજ્ય માટે પહેલીવાર પ્રાપ્ત થયેલી નોંધપાત્ર ઉપલબ્ધિ છે.

ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓમાં દિનકલ ગોરખા, ઈશિતા ગાંધી, કાવ્યા જાડેજા, તત્તવજ્ઞા વાલા, પાવની દયાલ, ખુશી પંચાલ, મનસ્વી સલુજા, જિયા શિંદે, દિયા કોઠી, ઈશા કોઠી અને અનમોલ ટંડેલનો સમાવેશ થાય છે. જ્યારે યામી પટેલ અને કાવ્યા શાસ્ત્રીએ સિલ્વર મેડલ જીત્યા હતા. બ્રોન્ઝ મેડલ વિજેતાઓમાં અક્ષયા દલવી, હિયા અમરે, કાવ્યા જાદવ, ધૂન જયસ્વાલ, અંશી ગામિત, જિયાના ઠાકોર અને કોમલ ઉમારાણીયાનો સમાવેશ થાય છે.
મેડલ વિજેતા તમામ ખેલાડીઓને ખેલો ઇન્ડિયા અસ્મિતા યોજનાના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાતના તમામ મેડલ વિજેતાઓને ચેન્નાઈ ખાતે યોજાનારી ખેલો ઇન્ડિયા અસ્મિતા નેશનલ રેન્કિંગ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 માટે પસંદગી મળતા રાજ્યમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.


