કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને, એક જ સપ્તાહમાં 76 કેસ વધ્યા
Gujarat Covid-19 Update: લાંબા સમયથી રાહત બાદ કોરોનાએ ફરી ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાલ 83 એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસમાં 76નો વધારો થયો છે. જોકે, હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી.
કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 19 મેના દિવસે ગુજરાતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિામાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. વધુ રાહતની વાત એ પણ છે કે, કોરોનાથી હજુ સુધી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના મોટાભાગના દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
કોરોનાના એક્ટિવ કેસમાાં ગુજરાત ચોથા સ્થાને
કોવિડ પોઝિટિવ વ્યક્તિના સેમ્પલ ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવે છે. જેના આધારે નવા વેરિયન્ટના લક્ષણ છે કે નહીં તે ચકાસણી કરાય છે. હાલની સ્થિતિએ નવા વેરિયન્ટનો હજુ 1 કેસ નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.