Get The App

ગુજરાતના ખેડૂતો મગફળી તરફ, વાવેતર 20 લાખ હેક્ટરને પાર

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના ખેડૂતો મગફળી તરફ, વાવેતર 20 લાખ હેક્ટરને પાર 1 - image


ઉપજ જળવાય તો સતત બીજા વર્ષે વિક્રમી ઉત્પાદનની શક્યતા : નોર્મલ કરતા અત્યાર સુધીમાં જ 2.39 લાખનું વધુ વાવેતર, રાજ્યની 80 ટકા વાવણી સૌરાષ્ટ્રમાં,સિંગતેલના ભાવ ઘટયા

 રાજકોટ, : મગફળીના ટેકાના ભાવ ચાલુ વર્ષ ઈ.સ. 2025-26માં પ્રતિ ક્વિન્ટલ રૂ।. 6783 થી વધારીને રૂ।. 7263 એટલે કે પ્રતિ મણ રૂ।. 1452.60 કરાયા છે અને બજારમાં રૂ।. 900થી 1200 વચ્ચેના ભાવ લાંબા સમયથી સ્થિર છે ત્યારે ગુજરાતના ખેડૂતો મૌસમી સ્થિતિ ધ્યાને લઈને મગફળી તરફ વળ્યા છે.ગત ત્રણ વર્ષથી સીઝનનું કૂલ વાવેતર 17.51લાખ હે.સામે આ વર્ષે હજુ અર્ધી સીઝનમાં જ આજ સુધીમાં વિક્રમજનક વાવેતર 20.11 લાખ હેક્ટરે પહોંચ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ઈ.સ. 2024-25 માં 19.68 લાખ હે.માં રાજ્યમાં રેકોર્ડબ્રેક ૫૨ લાખ ટન મગફળીનો પાક ઉપજ્યો હતો ત્યારે આ વર્ષે જો 2650ની ઉપજ જળવાઈ રહે તો નવો વિક્રમ સ્થપાશે અને સાનુકૂળ હવામાન રહે તો ઉત્પાદન 55 લાખ ટને પહોંચવાની શક્યતા છે. આ વર્ષે પણ ગુજરાતમાં 80 ટકા મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થશે જ્યાં 11 જિલ્લામાં 16.04લાખ હેક્ટર વાવેતર થયું છે. બીજા નંબરે ઉત્તર ગુજરાતમાં 3.16 લાખ, કચ્છમાં 80,300 હેક્ટરનું વાવેતર થયું છે. 

ક્લાઈમેટ ચેન્જથી અનેક પાકોની ઉપજ ઘટવાની ભીતિ વ્યક્ત કરાઈ છે જ્યારે મગફળી જાણે કે મૌસમના બદલાવથી અનુકુલન સાધી લીધું હોય તેમ તેની ઉત્પાદકતા ગત ત્રણ વર્ષોમાં આશરે 25 ટકા જેવી વધી છે. ગુજરાતમાં આજ સુધીમાં 65.56લાખ હેક્ટરનું વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા 4/10 લાખ હે.ઓછુ છે પરતુ, મગફળીમાં ગત વર્ષ કરતા વધારે છે.


Tags :