Gujarat

ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો

By GS TEAM
21 Mar 20263 mins read
TukuTouch Logo
અતિવૃષ્ટિમાં માંડ-માંડ બેઠાં થયાં ત્યાં ફરી એકવાર ખેડૂતોને કમોસમી વરસાદ નડ્યો છે. ભરઉનાળે અચાનક જ આકાશમાંથી વરસેલી કુદરતી આફત જાણે ખેડૂતો માટે પાયમાલી લઈને આવી હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતાં ઘઉં, ચણા, બાજરી, એરંડા સહિત અન્ય શિયાળુ પાકને નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે, જેથી ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો છે. એટલું જ નહીં, આર્થિક નુકસાન વહોરવાનો વારો આવ્યો છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથથી માંડીને છેક કચ્છ-ઉત્તર ગુજરાતમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે, જેથી નુકસાનીનો સર્વે કરવા માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો

Gujarat Farmers Loss: અતિવૃષ્ટિમાં માંડ-માંડ બેઠાં થયાં ત્યાં ફરી એકવાર ખેડૂતોને કમોસમી વરસાદ નડ્યો છે. ભરઉનાળે અચાનક જ આકાશમાંથી વરસેલી કુદરતી આફત જાણે ખેડૂતો માટે પાયમાલી લઈને આવી હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતાં ઘઉં, ચણા, બાજરી, એરંડા સહિત અન્ય શિયાળુ પાકને નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે, જેથી ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો છે. એટલું જ નહીં, આર્થિક નુકસાન વહોરવાનો વારો આવ્યો છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથથી માંડીને છેક કચ્છ-ઉત્તર ગુજરાતમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે, જેથી નુકસાનીનો સર્વે કરવા માંગ ઉઠી છે.

ખેડૂત પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ

અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે પરિણામે આ વિસ્તારમાં ચણા અને ડુંગળી સહિતના પાકોને નુકસાન થયું છે. ધારી વિસ્તારમાં આંબા પર કેરીનો પાક ખરી જતાં ખેડૂત પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાંભા વિસ્તારમાં ડુંગળીના પાકને મોટાપાયે નુકસાનનો અંદાજ છે. મીની વાવાઝોડાને લીધે પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં કેરી, લસણ, લીંબુ, ઘઉં સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ધારી તાલુકામાં ડુંગળીના તૈયાર પાક પર મેઘરાજાએ પ્રહાર કરતા ખેડૂતો આ થક રીતે પાયમાલ થઈ ગયા છે. 

કેશોદ, માળિયા હાટીના અને મેંદરડા પંથકમાં વંટોળિયાએ વિનાશ વેર્યો છે. ખાસ કરીને બાગાયત ખેતીને નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ તરફ, સુરેન્દ્રનગરના લખતરમાં વાવાઝોડાથી ઘઉં, ચણા, જીરું, એરંડાના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

બદલાયેલાં વાતાવરણમાં ઓચિંતાનો વરસાદ ખાબકતાં સૌરાષ્ટ્રના કેટલાંક પંથકમાં ખેતી તબાહ થઈ છે. આ બાજુ, અરવલ્લી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. આ વિસ્તારમાં ઊભા ખેતરોમાં ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત મેઘરજ પંથકમાં કેટલાંક ગામોમાં ઘઉંના પાકનો સફાયો થયો હતો પરિણામે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ચરોતરમાં તમાકુનો પાક ખેતરોમાં તૈયાર છે. આ ઉપરાંત ઘણાં ખેતરોમાં તમાકુનો પાક કાપીને સુકવવા મૂક્યો હતો ત્યાં અચાનક વરસાદ વરસતાં તમાકુનો પાક પલળી ગયો હતો. ગીર પંથકમાં ભારે પવનને લીધે કેરીઓ ખરી પડી હતી.

આ પણ વાંચો: યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા

માવઠાને લીધે ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે

કમોસમી વરસાદને લીધે ખેત ઉત્પાદન પર અસર થશે. ઘઉં, ચણા, એરંડા, બાજરી, ડુંગળી, લસણ, લીંબુ સહિત અન્ય શિયાળુ પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. વરસાદી પાણીને લીધે પાકની ગુણવત્તા તો બગડશે સાથે સાથે ઉપજ પણ ઓછી થશે સાથે સાથે ગુણવત્તા ઓછી હોવાને લીધે ભાવ પણ ઓછા મળશે. આ જોતાં કમોસમી વરસાદથી ખેડૂતોને ફરી એકવાર આર્થિક નુકસાન વેઠવું પડે તેમ છે.

કૃષિ નિષ્ણાતોના મતે, ચણા-જીરુમાં રોગ આવે તેવી સંભાવના

મિનિ વાવાઝોડાને લીધે ખેતીને નુકસાન થયું છે. ઉભા ખેતરોમાં પાક ભોંયભેગો થયો છે. આ ઉપરાંત કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે, ચણા અને જીરુંમાં ફૂગ સહિત અન્ય રોગ થાય તેવી શક્યતા છે જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. આ ઉપરાંત ઘાસચારામાં રોગની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કૃષિ વિભાગે પણ આ સંજોગોમાં કૃષિ નિષ્ણાતોની સલાહ લેવા સૂચના આપી છે.

માવઠાથી નુકસાન થતાં ખેડૂતોને સહાય કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ઉત્તર ગુજરાતમાં માવઠાથી ખેડૂતોને નુકસાન થયું છે. તમાકુ, ઘઉં, જીરું, ચણા, વરિયાળી, ઈસબગુલ, એરંડા સહિત અન્ય પાકો ખેતરોમાં જ ભોંયભેગાં થયા છે. વરસાદી પાણીમાં પલળ્યાં છે પરિણામે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે જેના કારણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદે સર્વે કરી ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવો.

અગરિયાઓને નુકસાન, સોલાર પેનલ-ઝૂંપડાં ઉડી ગયા

કચ્છના નાના રણમાં મીઠું પકવતાં ખેડૂતોને પણ મિની વાવાઝોડાએ નુકસાન કર્યું છે. ભારે પવન ફૂંકાતાં રણમાં અગરિયાઓની સોલાર પેનલ ઉડી હતી જેના લીધે તેમને અંધારપટમાં રહેવું પડ્યું હતું સાથે ઘણાંના ઝૂંપડાં પણ પવનથી ઉડ્યા હતાં. આમ, અગરિયાઓની મુશ્કેલી પણ વધી હતી.