રિશ્તો મેં દરાર...ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ

Family Court News: ગુજરાતની ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં એક વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં 27194 સામે વર્ષ 2024માં 62146 જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાયા હતા. એક વર્ષમાં ફેમિલી કોર્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે. વર્ષ 2024માં ગુજરાતની ફેમિલી કોર્ટમાં 62146 કેસ નોંધાયા હતા. જેના ઉપરથી કહી શકાય કે, દરરોજ સરેરાશ 170 જેટલા કેસ ફેમિલી કોર્ટમાં નોંધાય છે. વર્ષ 2024ના અંતે ગુજરાતની ફેમિલી કોર્ટમાં 51999 કેસ પેન્ડિંગ હતા.
વર્ષ 2024 સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે મોખરે, પંજાબ 55547 સાથે બીજા, કેરળ 45628 સાથે ત્રીજા, ગુજરાત ચોથા સ્થાને છે. અન્ય મોટા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં 30236, મઘ્ય પ્રદેશમાં 32874, રાજસ્થાનમાં 34174 કેસ નોંધાઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 3.98 લાખ, કેરળમાં 1.09 લાખ, પંજાબમાં 77604 જેટલા પેન્ડિંગ કેસ છે. સમગ્ર દેશની 848 ફેમિલી કોર્ટમાં 6.43 લાખ કેસ નોંધાયા છે, 12.42 લાખ પેન્ડિંગ છે જ્યારે 6.85 લાખ કેસનો નિકાલ થયેલો છે.
નિષ્ણાતોને મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂપ ધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણમે છે. દંપતીમાં સમજણનો સેતુ સતત તૂટી રહ્યો છે અને બંનેમાંથી જાણે કોઈ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. વર્તમાન સમયમાં મહિલા અને પુરુષની પ્રાથમિકતા બદલાઈ છે. મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. નાની-નાની વાતોમાં સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વઘ્યા છે.
છેલ્લા પાંચથી દસ વર્ષમાં આવતાં કેસમાં 30થી 40 ટકા કેસ 40થી 50 વર્ષની વયજૂથના લોકોના છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષિત વર્ગમાં છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરની ફેમિલી કોર્ટ પડતર છૂટાછેડાના કેસમાં અરજી કરનારા 50થી 65 ટકા પતિ છે. ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસમાંથી 60 હજારમાં તો પતિએ છૂટાછેડા માગ્યા છે.

