Ahmedabad News: એક તરફ, કમોસમી વરસાદની સ્થિતિમાં ખેતીને મોટુ નુકશાન પહોચ્યુ છે ત્યારે બીજી તરફ, ગરીબ કાર્ડધારકો અનાજથી વંચિત રહ્યાં છે કેમકે, છેલ્લાં ત્રણેક દિવસથી રાજ્યમાં 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હવે દુકાનદારોએ સ્પષ્ટ વલણ દાખવ્યું છેકે, હવે અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરીશુ. દુકાનદારોને સમજાવવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે ત્યારે ગરીબ રેશનકાર્ડધારકોનો મરો થયો છે.
કલેક્ટર, પુરવઠા અધિકારીઓએ રાતભર દોડધામ મચાવી પણ સમજાવટના પ્રયાસો નિષ્ફળ
રવિવારે મોડી રાત્રે અમદાવાદમાં અન્ન પુરવઠા સચિવ સાથે ફેરપ્રાઇઝ શોપ એસોસિશનના પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટો થઇ હતી જેમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. મંત્રણામાં કોઇ નિષ્કર્ષ નીકળી શક્યો ન હતો. સરકારે જાહેર કર્યું છેકે, વ્યાજબી ભાવની દુકાનદારોની 11 માંગ સ્વિકારી લેવાઇ છે જ્યારે દુકાનદારો કહી રહ્યાં છેકે, સરકાર દુકાનદારોને ગેરમાર્ગે દોરી રહી છે. પણ જ્યાં સુધી સરકાર તરફથી લેખિત ખાતરી નહી અપાય ત્યાં સુધી વ્યાજબી ભાવની દુકાનો બંધ રહેશે.
આ તરફ, હડતાળને પગલે જીલ્લા કલેક્ટરથી માંડીને પુરવઠા અધિકારીઓએ રાતભર દોડધામ મચાવી દુકાનદારોને ચલણ જનરેટ કરી અનાજનો જથ્થો મેળવી લેવા વિનવણી કરી હતી. એટલુ જ નહીં, ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે વિતરણ વ્યવસ્થા શરૂ કરવા સૂચના આપી હતી તેમ છતાંય દુકાનદારો ટસથી મસ થયા ન હતાં. હવે દુકાનદારોએ નક્કી કર્યુ છેકે, હવે અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરીશું. હડતાળને લીધે સતત ત્રીજા દિવસે પણ વ્યાજબી ભાવની દુકાનો સજ્જડ બંધ કરી હતી. આ જોતાં કાર્ડધારકોને અનાજથી વંચિત રહેવુ પડ્યુ છે. એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો, ગુજરાતના 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારો રાજીનામા ધરી દેશે. દુકાનદારોના કડક વલણને જોતાં આ વિવાદ હજુ વકરે તેમ લાગી રહ્યુ છે.


