Gujarat Faces Malnutrition Crisis: કુપોષણ મુક્ત ગુજરાતના નારા ગુંજી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હજુય કુપોષણની સમસ્યા વધુ ઘેરી બની રહી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખુદ સરકારના આંકડા છે કે, 20 જિલ્લામાં જ 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે, જેમાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા 2.11 લાખ છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતા 45,634 બાળકો છે. આદિવાસી અને પછાત વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ વધુ ગંભીર બની છે.
મળતિયા પોષિત-બાળકો કુપોષિત
કુપોષણની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકાર બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. આ ઉપરાંત આંગણવાડીમાં સુપોષિત આહાર આપવામાં આવે છે. બાળકો અને સગર્ભા માટે ઘણી સરકારી યોજના અમલમાં છે. છતાંય કુપોષણનો સવાલ હલ કરવામાં સરકાર ઊણી ઉતરી છે. વિધાનસભામાં કુપોષણ બાળકોની સ્થિતિને લઈને સવાલ પૂછાતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે, ભાવનગર, વડોદરા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ખેડા, દાહોદ, ભરૂચ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યા વધુ છે. આ જિલ્લાઓમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક રહી છે. માત્ર આદિવાસી-પછાત વિસ્તાર જ નહીં, શહેરી-વિકસિત ગણાતા જિલ્લાઓમાં પણ કુપોષણનો વધુ વ્યાપ રહ્યો છે.
કુપોષણને નાથવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખુદ સરકારે એ વાત પણ સ્વીકારી છે કે, ખેડા, છોટા ઉદેપુર, મોરબી અને અમરેલીમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. વિપક્ષનો આક્ષેપ છે કે, મળતિયા પોષિત થયા છે. જ્યારે બાળકો તો કુપોષિત જ રહ્યા છે. યોજનાનો અસરકારક રીતે અમલ ન થતા ગુજરાતને કુપોષણ મુક્ત બનાવી શકાયું નથી. નવાઈની વાત તો એ છે કે, છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ 2024-24માં 28.65 કરોડ રૂપિયા અને વર્ષ 2025-26માં 25.49 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો તેમ છતાંય આ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે. આ જ પ્રમાણે, નર્મદા જિલ્લામાં વર્ષ 2024-25માં 19.79 કરોડ રૂપિયા અને વર્ષ 2025-26માં 16.67 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. 30 કરોડ રૂપિયા કરતાં ય વધુ રકમ ખર્ચાઈ છતાંય કુપોષિત બાળકો વધુ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ!
કુપોષણ મામલે મંત્રીએ વિચિત્ર તર્ક રજૂ કર્યો
વિધાનસભા ગૃહમાં કુપોષણ જેવા ગંભીર મુદ્દે ચર્ચા થઈ ત્યારે મંત્રી મનિષા વકીલે એવો વિચિત્ર તર્ક રજૂ કર્યો કે, બાળકોની ખાવાની બદલાતી જતી ટેવ કુપોષણ માટે જવાબદાર પરિબળ રહ્યું છે. મહિલા મંત્રીનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે એવું જણાવ્યું કે, 'પહેલાં બાળકો પેટને ગમે એવું જમતા હતાં. આજે જીભ-નાકને ગમે એવું જમી રહ્યાં છે.'
સાધન સંપન્ન પરિવારોમાં બાળકોમાં ખોટી ફૂડ હેબિટને લીધે કુપોષણની સમસ્યા યથાવત
કુપોષણ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એવો મુદ્દો ઉઠાવ્યો કે, વર્ષ 2004માં હ્યુમન ડેવલપમેન્ટનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કુપોષણના આંકડા સાથે વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી. આ વાતને આજે ૨૧ વર્ષ થયાં હજુ ગુજરાતમાં કુપોષણ દૂર થઈ શક્યું નથી. અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં કુપોષણની સ્થિતિ સારી નથી.
રાજ્યમાં કુપોષણનો દર સતત ઘટી રહ્યો છે તેવો દાવો કરતાં મંત્રી મનિષા વકીલે ગળે ઉતરે નહીં તેવો આશ્ચર્યજનક તર્ક રજૂ કર્યો કે, 'પહેલા બાળકો પેટને ગમતું તેવું ભોજન લેતાં હતાં. હવે એવું નથી. હવે બાળકો જીભ અને નાકને (સ્વાદ અને સુગંધને) ગમતું હોય તેવું ભોજન લે છે. આ કારણોસર ખાવાની ખોટી આદતોને લીધે જરૂરી પોષક તત્વો શરીરમાં પહોંચતા નથી પરિણામે કુપોષણની સમસ્યા સર્જાય છે.'
તેમણે ત્યાં સુધી કહ્યું કે, સાધન-સંપન્ન પરિવારોમાં પણ ખોટી 'ફૂડ હેબિટ'ના કારણે કુપોષણ જોવા મળી રહ્યું છે. આમ, ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવું એ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે પડકારરૂપ બન્યું છે. આમ છતાંય સરકારે દાવો કર્યો કે, કુપોષણની માત્રામાં ઘટાડો થયો છે.


