ડીઝલની અછતને પગલે ગુજરાતમાં 12 લાખ ટ્રક થંભી જશે, જીવનજરૂરી ચીજો મોંઘી થવાની ભીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Diesel Shortage: ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, જો ઇંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.
ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઇવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છે કે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન મેદાને પડ્યું
ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતાં ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપુરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઈ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે હવે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન મેદાને આવ્યું છે.
ઍસોસિયેશને સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, એક તરફ આર્થિક મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેમ છે. જો આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે એ દિવસો દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જોતાં ઇંધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરાઈ છે. આમ, સરકાર ભલે દાવો કરે પણ ગુજરાતમાં ડીઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આર્થિ નુકસાન થાય તેવી ભીતિ છે.
ડીઝલના ભાવ-અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળતાં ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવું જાણવા મળ્યું છે કે, ખાનગી બસોના સંચાલનમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ટ્રાવેલ્સ ઓપરેટરોનું કહેવું છે કે, ડીઝલના પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત જો બસ ભાડું વધારવામાં આવે તો બસ મુસાફરોનો રોષ વહોરવો પડી શકે છે. આ સંજોગોમાં બસો ચલાવવી હવે આર્થિક રીતે પોષાય તેમ નથી. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી ગઈ છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને મુંબઈ દિલ્હી તથા એમપી સહિતના રાજ્યોમાં જતી ખાનગી બસોની સંખ્યામાં 25-30 ટકાનો ઘટાડો થયો છે.
પેટ્રોલ પંપો પર પાંચ દિવસે એક જ ટેન્કર મળે છે
એક બાજુ, સરકાર કહે છે કે, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે નક્કર આયોજન કરાયું છે જ્યારે બીજી બાજુ, પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલની એક જ ટેન્કર આવે છે. અપૂરતા જથ્થાને લીધે ટુ વ્હીલરથી માંડીને કાર-ટ્રકમાં મર્યાદિત માત્રામાં પેટ્રોલ-ડીઝલ આપવું પડે છે. મોટાભાગના વાહનચાલકો અછતના ડરથી ટાંકી ફૂલ કરવાનો આગ્રહ રાખે છે જેના લીધે રકઝક થાય છે.
પેટ્રોલ-ડીઝલની અછત છતાં સરકારે કહ્યું કે ગભરાશો નહીં
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35થી 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. અછતને પગલે કચ્છથી માંડીને ઉત્તર ગુજરાત સુધી પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આમ નાગરિકો અને ખેડૂતોને પરેશાની ભોગવવી રહી છે. પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા પાટિયા ઝૂલી રહ્યાં છે તેમ છતાંય સરકારે લોકોને અપીલ કરી છે કે, અફવાથી સાવધાન રહેવું, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે એટલે ગભરાશો નહીં. આજે કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર રહ્યો હતો.








