Gujarat

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
વિધાનસભામાં નિયમ-116 હેઠળ સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે, ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતાના 62% હિસ્સો માત્ર ગુજરાત પાસે છે. રાજ્યમાં 1,073 CNG સ્ટેશનો અને 37 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન કાર્યરત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો,  અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં આજે ઇંધણ અને રાંધણ ગેસની સ્થિતિ મુદ્દે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં ઊર્જાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

ગુજરાતમાં ગેસ ક્ષેત્રે મજબૂત સ્થિતિ

વિધાનસભામાં નિયમ-116 હેઠળ સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું કે, ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતાના 62% હિસ્સો માત્ર ગુજરાત પાસે છે. રાજ્યમાં 1,073 CNG સ્ટેશનો અને 37 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન કાર્યરત છે. કેન્દ્ર સરકારના માર્ચ 2026ના ગેઝેટ મુજબ, સામાન્ય જનતાને મળતા ગેસને પ્રાથમિકતા-1માં રાખવામાં આવ્યો છે. જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે.

પેટ્રોલ-ડીઝલના વેચાણ પર મર્યાદા અને સંગ્રહખોરી સામે લાલ આંખ

રાજ્યમાં અફવાઓને કારણે ઇંધણનું વેચાણ સામાન્ય કરતા 4થી 5 ગણું વધી ગયું છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકારે 23 માર્ચ 2026 ના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ મુખ્યત્વે વાહનોની ટાંકી પૂરતું જ સીમિત રખાશે. ખેતી અને મોબાઇલ ટાવર માટે નિયત મર્યાદામાં જ બેરલ દ્વારા ઇંધણ લઈ જવાની છૂટ મળશે. કૃત્રિમ અછત ઊભી કરનારા વિક્રેતાઓ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી મોટો દાવો: 'ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ', પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

LPG મોનિટરિંગ માટે 1029 ટીમો તૈનાત

રાંધણ ગેસ સમયસર મળી રહે તે માટે રાજ્યમાં 1029 સઘન મોનિટરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમોમાં મહેસૂલ અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 1800-233-0222 પણ કાર્યરત છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 7,843 ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

વિપક્ષે સરકારની ઝાટકણી કાઢી

સરકારના આ નિવેદન સામે વિપક્ષી નેતાઓએ અનેક રજૂઆતો કરી હતી. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુરતના ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આપ નેતા ગોપાલ ઇટાલિયા જનતાને સરકારના આશ્વાસન પર વિશ્વાસ ન હોવાની વાત કરી હતી. કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ હોટેલો અને PG જેવા સ્થળોએ લોકોને પડતી તકલીફનો મુદ્દો ઉઠાવી, સરકાર પાસે બફર સ્ટોકની વિગતો જાહેર કરવાની માંગ કરી.