For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દહેગામની ચૂંટણી સભામાં PMએ કહ્યું, ‘હું દિલ્હીમાં છું, આ મારું સપનું છે, આ સપનું પુરૂ કરવાં કમળને મોકલવું પડશે’

આ માત્ર પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી પણ આગામી 25 વર્ષ બાદ ગુજરાત કેવું દેખાશે તે માટેની ચૂંટણી છે : મોદી

આ માત્ર પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી પણ આગામી 25 વર્ષ બાદ ગુજરાત કેવું દેખાશે તે માટેની ચૂંટણી છે : મોદી

Updated: Nov 24th, 2022

અમદાવાદ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યમાં વિવિધ સ્થળો સ્ટાર પ્રચારકો દ્વારા વિવિધ જનસભાઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી વિવિધ જનસભાઓ સંબોધી રહ્યા છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાલનપુર તેમજ મોડાસામાં જનસભાઓ સંબોધી હતી. ત્યારબાદ મોદી દહેગામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું દિલ્હીમાં છું, આ મારું સપનું છે, આ સપનું પુરૂ કરવાં કમલને મોકલવું પડશે’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું અહીં દહેગામની પ્રજાને અભિનંદન આપવા આવ્યો છું. બપોરના સમયે આટલી મોટી સંખ્યામાં તમામ લોકોએ ઉપસ્થિત રહી વટ પાડી દીધો. આઝાદીના 75 વર્ષના અમૃતકાળમાં આ પહેલી ચૂંટણી છે. આ માત્ર પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી પણ આગામી 25 વર્ષ બાદ ગુજરાત કેવું દેખાશે તે માટેની ચૂંટણી છે. તમામ સમૃદ્ધ દેશોના માપદંડોની આગળ ગુજરાત હોય તે માટે આપણે કામ કરવાનું છે. આજે ગુજરાતે જે 20 વર્ષમાં કરી બતાવ્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી મુખ્ય રાજ્ય તરીકે આગળ વધ્યું છે. હું જ્યારે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યો ત્યારે વીજળી માટે માંગ કરાઈ હતી. આજે 24 કલાક વીજળી જોવા મળી રહી છે. અમારી સરકારે ઘરે ઘરે નળથી જળ અને સિંચાઈ માટે પાણી પહોંચાડી રહી છે. સુજલામ સુફલામ સિવાય દેશભરમાં અમૃત સરોવર પણ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

દહેગામમાં સંબોધન દરમિયાન તેમણે ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ વાત કહી હતી. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા આજે પાંચમાં ક્રમાંકે છે. મને જ્યારે દિલ્હી મોકલ્યો ત્યારે આ અર્થવ્યવસ્થા 10માં નંબર પર હતી. આપણા પર 250 વર્ષથી જે લોકોએ રાજ કર્યું, તેમણે પાછળ છોડી દીધા એને મને આનંદ છે. જોકે હવે આપણે અર્થવ્યવસ્થામાં એકથી ત્રણ નંબરમાં પહોંચવાનું છે. આ સભા દરમિયાન મોદીએ મહત્વની વાત કરતા જણાવ્યું કે, દહેગામ અને ગાંધીનગર ટ્વિન સિટી હશે. એટલું જ નહીં ગિફ્ટ સિટીમાં જે રોકાણ કરવા આવશે, તેઓ દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે. દેશભરમાં કલોલ, દહેગામ, ગાંધીનગર વિકાસના નામે ઓળખાશે. તેમણે ગાંધીનગરના વિકાસની વાત કરી કહ્યું કે, અહીં ગામડુ અને શહેર બંનેમાં સરખો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, આ વાત યાદ રાખજો કે, એ દિવસ દૂર નથી, જ્યારે ગાંધીનગર, દહેગામ, કલોલ ટ્વિન સિટી હશે. આગામી સમયમાં આ ત્રણેય જિલ્લાઓ આખા રાજ્યની આર્થિક કામગીરીને દોડાવનારું મુખ્ય કેન્દ્ર બનશે.

PMએ કહ્યું, હું દિલ્હીમાં છું, આ મારું સપનું છે, આ સપનું પુરૂ કરવાં કમળને મોકલવું પડશે. તેમણે કહ્યું કે, જો મારું સપનું હોય અને રાજ્યની મદદ મળે તો ફાયદો બધાને મળશે. જોકે કમલને અહીંથી મોકલવું પડશે. તેમણે કહ્યું કે, વિશ્વની એક માત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે. એટલું જ નહીં વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ આપણા ગાંધીનગરમાં છે. મોદીએ ગુજરાતના શિક્ષણ બજેટ અંગે કહ્યું કે, 20થી 25 વર્ષ પહેલા રાજ્યના શિક્ષણનું બજેટ રૂપિયા 1600 કરોડ હતું. આજે તેમાં વધારો કરાયો છે અને તે વધીને રૂ. 33000 કરોડ રૂપિયાએ પહોંચાડાયું છે. આમાં જ ગુજરાતની પ્રગતિ છે.

દહેગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાયેલી ચૂંટણીસભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ તેમજ વિવિધ નેતાઓ, કાર્યકરો અને ગાંધીનગર જિલ્લા ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.

Gujarat