ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આનંદો... શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કર્યા, 40000 શિક્ષકોને થશે લાભ
લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે
શિક્ષણ વિભાગના નિર્ણયથી નવા સત્ર સુધી તમામ શિક્ષકોને લાભ મળશે
ગાંધીનગર, તા.12 મે-2023, શુક્રવાર
આજે રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ લાંબા સમયથી અટકી પડેલા શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે. વિભાગ દ્વારા નિયમો જાહેર કરાયા બાદ લાંબા સમયથી અટકેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે તેમજ જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સમાવેશ કરાયો છે.
શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ પ્રાથમિક શિક્ષકોની જિલ્લામાં ફેર બદલી તેમજ આંતરિક બદલી અંગેનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો પણ સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવા ઠરાવમાં જણાવાયું છે તેમજ શાળાઓ બંધ અથવા મર્જ થતા સમયે થતી બદલીનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોના પરિપત્ર અંગે દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, ગઈકાલે જ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા નવા નિયમોને મંજૂરી આપવામાં આવી હતી. વિભાગના આ નિર્ણય બાદ શિક્ષકોની ઘણા સમયથી અટકેલી બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે. ઉપરાંત નવા શૈક્ષણિક સત્ર સુધીમાં તમામ શિક્ષકોને લાભ મળશે તેમજ 40000 શિક્ષકોને સીધો લાભ થશે.
શિક્ષકો પહોંચ્યા હતા કોર્ટમાં
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022માં એપ્રિલમાં શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા સુધારા ઠરાવ સામે શિક્ષકોને વાંધો પડ્યો હતો અને શિક્ષકો આ વાંધાને લઈ કોર્ટે પહોંચી ગયા હતા. આ ઠરાવ મામલે હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન કરવામાં આવી હતી. કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય કરાયો હતો. તો બીજી તરફ બદલી કેમ્પ મોકુફ રખાતા નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ અટકી પડી હતી. જોકે હવે શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો જાહેર કરાતા શિક્ષકોની બે વર્ષની માંગણીઓ સુખદ અંત આવશે.