ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી

Gujarat Youth Alcohol Drug Addiction: ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી છે. વાસ્તવિકતા એ છે કે, બેરોજગારીની સમસ્યાએ ફેણ માંડી છે ત્યારે શિક્ષિત યુવાઓ દારૂ-ડ્રગ્સની લતે ચડ્યાં છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર, ગુજરાતમાં 17.50 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ દારૂ, ગાંજો, અફીણ, હેરોઇન પીને નશો કરે છે. ખુદ સરકારના જ આર્શિવાદથી બુટલેગરો-ડ્રગ્સ પેડલરો બેફામ બન્યાં છે ત્યારે ગાંધીના ગુજરાતમાં યુવા પેઢી નશાની બંધાણી બની રહી છે પરિણામે ચિંતાનજક ચિત્ર ઉભુ થયુ છે.
17.50 લાખ પુરૂષ, 1.85 લાખ મહિલા ડ્રગ્સના બંધાણી
રાજ્યાં દારૂ-ડ્ગ્સના દૂષણને લઇને રાજકીય ઘમાસાણ જામ્યુ છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની દારુ ડ્રગ્સ મુક્ત ગુજરાતની ઝુંબેશને ઠેર ઠેર જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. આમ જનતા પણ ઇચ્છી રહી છે કે, ગુજરાતમાં દારુ ડ્રગ્સના દુષણથી મુક્ત થાય. આ તરફ, વિપક્ષની સાથે સાથે લોકોના સમર્થનને પગલે સરકારે બેકફુટ પર આવવા મજબૂર થવુ પડ્યુ છે. પ્રવર્તમાન સ્થિતીમાં જે રીતે ગુજરાતમાં દારુ-ડ્રગ્સનો ગેરકાયદેસર વેપલો ધમધમી રહ્યો છે તે જોતાં એ વાત પ્રસ્થાપિત થઇ છે કે, ગુજરાત સરકાર દારુ- ડ્રગ્સની બદી રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે.
બેરોજગારીને લીધે શિક્ષિત યુવાઓ દારૂ-ડ્રગ્સની લતે ચડ્યા
અમદાવાદ જેવા મેટ્રો સિટીથી માંડીને ગામડાઓ સુધી દારૂ ડ્રગ્સનુ દૂષણ વકર્યુ છે. સરકારના ચાર હાથ હોવાથી બુટલેગરો- ડ્રગ્સ પેડલરોને ખાખીનો ડર રહ્યો નથી. ખુલ્લેઆમ વેચાણ થતાં યુવાઓ ડ્રગ્સના નશા તરફ વળી રહ્યાં છે. આ કારણોસર ગુજરાતમાં નશાના બંધાણીઓની સંખ્યામાં દિનેદિને વધારો થઇ રહ્યો છે. સ્થિતી એવી સર્જાઇ છે કે, આજે ગુજરાતમાં દારૂના કારણે કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યાં છે.
દારુ-ડ્રગ્સના દૂષણનું ચિંતાજનક ચિત્ર હોવા છતાંય સરકાર કે ગૃહ વિભાગ જરાયે ચિંતાતુર નથી. કરોડો રૂપિયાનું દારૂ-ડ્રગ્સ પકડાય ત્યારે માત્ર વાહવાહી લૂંટવામાં આવી રહી છે પણ અસરકારક પગલાં લેવાતાં નથી. આ કારણોસર ઉડતા ગુજરાત જેવી સ્થિતી ઉભી થઇ છે.
ખાખીને જનતારેડનો ડર : અડ્ડા બંધ પણ દારૂ-ડ્રગ્સની 'હોમ ડિલીવરી' યથાવત
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારૂ ડ્રગ્સની બદીને દૂર કરવા અવાજ ઉઠાવ્યો છે જેને જન સમર્થન સાંપડી રહ્યુ છે. એટલુ જ નહીં, ટોલ ફ્રી નંબર પર ફોન કરીને લોકો દારુ ડ્રગ્સના અડ્ડાની માહિતી મોકલી શકશે. હવે પોલીસને જનતા રેડનો ડર પેઠો છે પરિણામે પોલીસે જાહેરમાં ધમધમતાં દારૂના અડ્ડા બંધ કરવા ડ્રામા રચ્યો છે.
લોકોને એવુ થયુ છે કે, દારૂના અડ્ડા બંધ થયા છે પણ એવી ગોઠવણ પાડવામાં આવી છે કે, બુટલેગરોએ ઉંચા ભાવ લઇને દારૂ-ડ્રગ્સની હોમ ડિલીવરી યથાવત રાખી છે. પોલીસને જ બુટલેગરોને નવો મંત્ર આપ્યો છે કે, જાહેરમાં દારૂ વેચશો નહીં, ઘેર બેઠાં પહોચાડો.
દારૂ-ડ્રગ્સના દૂષણ સામે લડત લડનારી સ્વૈચ્છિક સંસ્થાઓની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી
દારુ-ડ્રગ્સના દૂષણ સામે લોકજાગૃતિ કેળવવા માટે ગુજરાતમાં ઘણી સ્વેચ્છિક સંસ્થાઓ કામગીરી કરી છે. પણ જે રીતે ભાજપ સરકારે જાણે દારુ ડ્રગ્સને પાછલા બારણે પ્રોત્સાહન આપી રહી છે કેમકે, છેલ્લાં કેટલાંય વખતથી ગુજરાતમાં 70થી વઘુ સ્વેચ્છિક સંસ્થાઓની ગ્રાન્ટ જ બંધ કરી દેવાઇ છે. ગુજરાતમાં હાલ નશામુક્તિ અભિયાન, ડ્રગ્સ જનજાગૃતિ જેવા કાર્યક્રમ માત્ર કાગળ પર ચાલી રહી છે. આ જોતાં સરકારનું વલણ શંકાના ઘેરામાં આવ્યુ છે. ટૂંકમાં, બુટલેગરો-ડ્રગ્સ પેડલરોની રાજકીય સહારો અપાતાં દારુ ડ્રગ્સની દુષણ વકર્યું છે.

