વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તળાવોના બ્યુટિફિકેશન માટે સિમેન્ટ કોંક્રિટનો ઉપયોગ કરીને કરોડો રુપિયાનો ખર્ચ કરે છે ત્યારે વડોદરાની સંસ્થાએ એક નાનકડા ગામના તળાવને માત્ર ચાર લાખ રુપિયાનો ખર્ચ કરીને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃ જીવિત કર્યું છે.
ભરુચ જિલ્લાના ઝઘડિયા ગામના મોહન તળાવના કિનારાનું ઝડપભેર ધોવાણ થઈ રહ્યું હતું અને તેના કારણે આસપાસના લોકો માટે પણ જોખમ સર્જાયું હતું.શહેરની ગુજરાત ઈકોલોજિકલ સોસાયટીને આ તળાવને પુનઃ જીવિત કરવાની કામગીરી સોંપાઈ હતી.સોસાયટીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી અને સંશોધક ડો.દિપા ગવલીનું કહેવું છે કે, ગત નવેમ્બર મહિનાથી અમે કામ શરુ કર્યું હતું.કિનારાઓનું ધોવાણ રોકવા માટે અમે વેટિવર ઘાસના ૨૦૦૦૦ રોપા મંગાવીને રોપ્યા હતા.સાથે સાથે કરેણ, સિતાફળ, આમલી જેવા ભારતીય વૃક્ષોના ૧૦૦ જેટલા પ્લાન્ટસનું કિનારાની ચારે તરફ વાવેતર કર્યું હતુ. ડો.ગવલી કહે છે કે,આ કામગીરી માટે પણ ગામના લોકોની જ અમે મદદ લીધી હતી અને આજે તળાવ નવ પલ્લવિત થઈ ગયું છે.તળાવની ચારે તરફ ઘાસ ઉગ્યું છે.જેણે ચોમાસામાં પણ માટીનું ધોવાણ અટકાવી દીધું છે.એક જ વર્ષમાં તળાવની શકલ બદલાઈ ગઈ છે.

