Gujarat

PM મોદીના કાર્યક્રમ માટે જાહેર બસોના ઉપયોગનો દાવો કરતાં ભડકી કોંગ્રેસ, કહ્યું - લાખો મુસાફર હેરાન થયા

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ભીડ એકત્ર કરવા રાજ્યભરમાંથી સરકારી બસોનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યના 12 ડિવિઝનમાંથી અંદાજે 1700થી વધુ બસો કાર્યક્રમમાં ફાળવવામાં આવી.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીના કાર્યક્રમ માટે જાહેર બસોના ઉપયોગનો દાવો કરતાં ભડકી કોંગ્રેસ, કહ્યું - લાખો મુસાફર હેરાન થયા

Vadodara News : એક તરફ મોંઘવારીના બહાને સામાન્ય જનતાની સેવાઓમાં કાપ મૂકવામાં આવે છે, તો બીજી તરફ રાજકીય શક્તિ પ્રદર્શન માટે સરકારી તિજોરી અને જાહેર સાધનોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસે ભાજપ સરકારની આ દ્વિચરિત્રતા સામે મોરચો માંડ્યો છે.

ડીઝલમાં કાપ પણ કાર્યક્રમોમાં ઉડાઉપણું?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા તાજેતરમાં વાહનો અને મશીનરીના ડીઝલ ખર્ચમાં 25 ટકા કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે. કોંગ્રેસે આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ તેની સામે સરકારની બેવડી નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, એક તરફ ખર્ચ ઘટાડવાની વાતો થાય છે અને બીજી તરફ ભાજપના કાર્યક્રમો માટે જનતાની બસો ડાયવર્ટ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

1700 બસો ડાયવર્ટ થતા લાખો મુસાફરોની હાડમારી

બનાસકાંઠા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ભીડ એકત્ર કરવા રાજ્યભરમાંથી સરકારી બસોનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યના 12 ડિવિઝનમાંથી અંદાજે 1700થી વધુ બસો કાર્યક્રમમાં ફાળવવામાં આવી. માત્ર વડોદરા શહેરમાંથી જ 100થી વધુ બસો ડાયવર્ટ કરાઈ. આ નિર્ણયને કારણે અંદાજે 2 લાખ જેટલા રોજિંદા મુસાફરો હાલાકીમાં મુકાયા હતા.

રોજગાર, શિક્ષણ અને આરોગ્ય પર અસર

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, જાહેર પરિવહન સેવા ખોરવાતા નોકરીયાત વર્ગ, અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ જતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, "જનતાના ટેક્સના પૈસાથી ચાલતી બસોનો ઉપયોગ પક્ષીય હિત માટે કરવો તે નિંદનીય છે. આ સામાન્ય નાગરિકોના હકો પર તરાપ છે." સરકાર એક તરફ વહીવટી ખર્ચ ઘટાડવાના બણગાં ફૂંકે છે, તો બીજી તરફ રાજકીય રેલીઓ માટે સરકારી તંત્રને કામે લગાડે છે. આ વિરોધાભાસ હવે જનતામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.