પરેશ ધાનાણીએ 'ખેતી બચાવો સત્યાગ્રહ' નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી

Paresh Dhanani News: રાજ્યમાં તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. કુદરતના આ પ્રકોપને કારણે જગતના તાતનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની આરે પહોંચી ગયા છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં માવઠાને કારણે અંદાજે દસેક લાખ હેક્ટર જમીનમાં પાકને ગંભીર નુકશાન પહોંચ્યુ છે. ત્યારે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખેડૂતોની વેદના વ્યક્ત કરતાં કવિતા સ્વરૂપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ખેડૂતોની આ વેદનાને વાચા આપતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ધાનાણીએ 'ખેતી બચાવો સત્યાગ્રહ' ના ટાઈટલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે. તેમણે 'ખેતી બચાવો સત્યાગ્રહ' શીર્ષક હેઠળ એક કવિતા સ્વરૂપે ખેડૂતોની વ્યથા રજૂ કરી છે અને સરકાર પર તીખા શબ્દબાણ ચલાવ્યા છે. ધાનાણીએ સરકારના વલણને નિષ્ઠુર ગણાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે.
આ પણ વાંચો: અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા
''ખેતી બચાવો સત્યાગ્રહ''
હાલ દિવાળીએ થઈ ગઈ છે હોળીને
ખેડૂતોના સપના થયા છે ધુળ ધાણી,
છે આભલે ઘન-ઘોર વાદળો છવાયાને
સાત-સાત દી' થી હજુ સુરજ ખોવાયા,
ચોંધાર વરસાદે ઉભા મોલ તો મુરઝાયાને
હતા ખેતરમા પડેલા પાથરા પણ તણાયા,
માંડવીના દાણે દાણે ફુટી ગઈ મુંછોને
કપાસના ઝીંડવે કાઢ્યા છે ફરી કોટા,
ઠાલા વચનોથી હજુ કરજ નો ભરાયાને
ત્યાં સુકી સીંગે ફરીથી ઉગી ગયા સોયા,
ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે ઝોળીને
તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી,
જુના પેકેજ તો ભલે સાવ ભુલાયા પણ
હવે તો ખેડૂતોના આંસુ લુંછો મારા રોયા,
હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ,
નહી તો થઈ જશે કાદવ બધોય સાફ.!
આ પણ વાંચો: પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી
ઉલ્લેખનીય છે કે આ કમોસમી વરસાદે શેરડી, સોયાબીન, તુવેર, મગફળી તેમજ અન્ય બાગાયતી પાકોને મોટો ફટકો માર્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતાં તેઓ દેવાદાર બન્યા છે અને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
એક તરફ ખેડૂતો કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારી નીતિઓ પણ તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહી હોવાનો સૂર ઉઠ્યો છે. સરકારે છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોની સ્થિતિ 'પડ્યા પર પાટુ' જેવી થઈ છે.

