ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રદેશ પ્રમુખ? દિગ્ગજ નેતાઓ દિલ્હી રવાના, રાહુલ ગાંધી કરી શકે છે બેઠક
Gujarat Congress: તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતાં વિવિધ સમાજ ખાસ કરીને પાટીદાર અને કોળી સમાજમાં નારાજગી જોવા મળી હતી. પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવા માંગ કરી છે. જેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવ્યા છે. દિલ્હીમાં મેગા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવશે.
દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબહેન ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજરી આપશે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોને સોંપવું તેને લઈને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યારે આ પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.