Gujarat

ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યું, હવે શું કરશે ભાજપ?

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશ સન્માન અને સુરક્ષાના ભાગરૂપે ગૌમાતાને રાજમાતા તરીકેનો દરજ્જો અપાવવા માટે અગત્યનું બિલ રજૂ કર્યું હતું. બીજી બાજુ, હવે ગૌરક્ષાની અને ગાયને માતા તરીકે કહી મત માંગતી ભાજપ સરકારના પ્રતિનિધિઓ આ બિલ સર્વાનુમતે પસાર કરાવે છે કે નહીં તેની પર સૌની નજર મંડાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યું, હવે શું કરશે ભાજપ?

Gau Mata Rajmata Status: ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશ સન્માન અને સુરક્ષાના ભાગરૂપે ગૌમાતાને રાજમાતા તરીકેનો દરજ્જો અપાવવા માટે અગત્યનું બિલ રજૂ કર્યું હતું. બીજી બાજુ, હવે ગૌરક્ષાની અને ગાયને માતા તરીકે કહી મત માંગતી ભાજપ સરકારના પ્રતિનિધિઓ આ બિલ સર્વાનુમતે પસાર કરાવે છે કે નહીં તેની પર સૌની નજર મંડાઈ છે.

શંકરાચાર્યના અભિયાનને કોંગ્રેસનું સમર્થન

થોડા સમય પહેલા અમદાવાદ ખાતે જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુક્તેશ્વરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે હાજરી આપી શંકરાચાર્યજી દ્વારા શરૂ કરવામાં આવેલા ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાનને સમર્થન જાહેર કર્યું હતું અને વચન આપ્યું હતું કે, તેઓ ગૌમાતાના સન્માન અને અધિકારો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જરૂરી કાયદો લાવવા પ્રયત્ન કરશે. પોતાના એ વચનને પૂર્ણ કરતા આજે તેમણે વિધાનસભામાં ગુજરાત રાજમાતા(ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) બિલ, 2025 રજૂ કર્યું હતું.

ગૌમાતાને 'રાજમાતા'નો સન્માનીય દરજ્જો

આ બિલ દ્વારા રાજ્યમાં ગૌમાતાને પ્રતિકાત્મક રીતે રાજમાતાનો સન્માનીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. બિલમાં એવી પણ જોગવાઈ છે કે રાજ્યના દરેક જિલ્લામાં ખાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જે ગૌમાતાના ખોરાક, રહેઠાણ અને આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કરે. આ ઉપરાંત, બીમાર કે અશક્ત ગૌમાતાને કતલખાને જતા અટકાવવા અને તેમના કલ્યાણ માટે રાજ્યના બજેટમાંથી વાર્ષિક રૂ. 100 કરોડ જેવી રકમ ફાળવવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રો મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બંધ

અમિત ચાવડાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

દરમ્યાન અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે ગૌમાતા અને સનાતનના નામે મતો મેળવીને સરકાર તો બનાવી દીધી, પરંતુ આજે ગૌમાતાની સૌથી વધુ અવગણના થઈ રહી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ગૌવંશની કતલના કિસ્સાઓ અને ગૌમાંસની નિકાસની બાબતો ચિંતાજનક સ્તરે પહોંચી છે, જે ભાજપની કથની અને કરણી વચ્ચેનો તફાવત છતો કરે છે. હવે જ્યારે આ વિધેયક વિધાનસભામાં લાવવામાં આવ્યું છે, ત્યારે સનાતનના નામે ચૂંટાઈને આવેલા ભાજપના પ્રતિનિધિઓએ ગૌમાતા પ્રત્યેની તેમની નૈતિક પ્રતિબદ્ધતા સાબિત કરવી જ રહી.