ગુજરાતમાં 'ક્લાઈમેટ ચેન્જ'ની અસર: સવારે ઠંડી, બપોરે ગરમી! વાયરલ શરદી, ઉધરસ અને હૃદયરોગનું જોખમ વધ્યું

Weather Update: ગુજરાતમાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો સાથે શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે આ વખતે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો જંગી તફાવત નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમરેલીમાં બુધવારે સવારે 7 થી 7:30 દરમિયાન રાજ્યનું સૌથી ઓછું તાપમાન 13.2 સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ બપોર થતાં જ તાપમાન 17.5 સેલ્સિયસ વધી ગયું હતું.
બીજી તરફ, રાજકોટમાં સવારે 14.8 સેલ્સિયસ તાપમાન સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, જે માત્ર આઠ કલાકમાં જ 18.2 સેલ્સિયસ સડસડાટ વધીને 33 સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન હતું. આ જ રીતે, ગાંધીનગર અને કેશોદમાં 17.3 સેલ્સિયસ, જ્યારે અમદાવાદ, મહુવા, નલિયા, અને સુરેન્દ્રનગરમાં પણ 18 સેલ્સિયસનો મોટો તફાવત નોંધાયો હતો. એટલે કે, પ્રતિ કલાક સરેરાશ 2 સેલ્સિયસ પારો ઉપર ચડી રહ્યો છે.
તાપમાનમાં આ તીવ્ર વધઘટ માનવશરીર માટે હાનિકારક છે. આનાથી વાયરલ શરદી, ઉધરસ, શ્વાસોશ્વાસની તકલીફોથી માંડીને હૃદયરોગનું જોખમ પણ વધે છે. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 4થી 5 ડિગ્રી ઓછું નોંધાયું છે.
તાપમાનની ઉથલપાથલ સાથે હવામાન વધુ સુકુ બન્યું છે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ઘટીને 30થી 40 ટકા આસપાસ રહે છે, જેના કારણે લોકોને ત્વચા સુકાતી હોવાનો અહેસાસ થાય છે. આનાથી ચર્મરોગની શક્યતાઓ પણ વધે છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર જોકે, આ સૂકું વાતાવરણ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અગાઉ માવઠામાં ભીંજાયેલી મગફળી સહિતની કૃષિ જણસીઓ જો ઉગી ન નીકળી હોય, તો આ સુકી હવામાં તે ઝડપથી સુકાઈને બજારમાં વેચાણ માટે તૈયાર થઈ જશે.
તાપમાન સાથે જોડાયેલી રસપ્રદ માહિતી
હવામાન કચેરીમાં તાપમાન જમીનને અડીને કે આકાશમાં નહીં, પરંતુ જમીનથી 4 ફૂટ ઉંચાઈએ મપાય છે. આ ઉંચાઈએ લોકો જે તાપમાન વાસ્તવમાં અનુભવે છે, તેનો સાચો અંદાજ મળે છે. 'ડ્રાય બલ્બ ટેમ્પરેચર' સવારે 8:30 વાગ્યે નોંધાય છે, જેમાં થર્મોમીટરને સીધા રેડિયેશન કે ભેજથી અલગ રાખવામાં આવે છે.
સામાન્ય રીતે લોકો માને છે કે બ્રહ્મમુહુર્ત (સવારે 4થી 5)માં સૌથી વધુ ઠંડી હોય છે, પરંતુ હવામાન કચેરી મુજબ, દિવસનું ન્યુનત્તમ તાપમાન સૂર્યોદય થયાના લગભગ અડધા કલાક બાદ નોંધાય છે. (દા.ત. રાજકોટમાં સૂર્યોદય 6:57 વાગ્યે થતો હોય તો, ખરી ઠંડી 7:30 આસપાસ અનુભવાય છે).

