| AI IMAGE |
Central Govt Report : કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં 2024-25ના વર્ષનો યુડાયસ રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. જેમાં એનઈપી અને એક્ઝિસ્ટિંગ એમ બે રિપોર્ટ જાહેર કરાયા છે. એક્ઝિસ્ટિંગ રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધો.9થી10માં સ્ટુડન્ટ ડ્રોપઆઉટ રેશિયો 4 ટકાથી પણ વઘુ ઘટ્યો છે. જ્યારે ધો.11-12માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 3 ટકાથી પણ વઘુ વધ્યો છે. જો કે બીજી બાજુ ધો.6થી8માં ડ્રોપઆઉટ રેટ ઘટવાને બદલે વધ્યો છે.
ધો.6થી8માં 2023-24માં ડ્રોપઆઉટ રેટ 4.2 ટકા હતો જે વધીને 2024-25ના વર્ષમાં 5.8 ટકા થયો
કેન્દ્ર સરકારના યુડાયસ (સ્કૂલ સ્ટુડન્ટ,ઈન્ફ્રાસ્ટ્રકચર,ટીચર્સ ડેટા ) 2024-25ના રિપોર્ટ મુજબ ધો.9થી10માં ગુજરાતમાં 16.9 ટકા ડ્રોપઆઉટ રેટ નોંધાયો છે.જેમાં છોકરાઓનો 19.8 ટકા અને છોકરીઓની 14.6 ટકા છે.જ્યારે ગત વર્ષના એટલે કે 2023-24ના યુડાયસ રિપોર્ટમાં ગુજરાતમાં ધો.9થી10માં 21 ટકા ડ્રોપઆઉટ રેશિયો હતો. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી માઘ્યમિકમાં વિદ્યાર્થી સંખ્યા વધારવા એટલે કે એનરોલમેન્ટ વધારવા અને ડ્રોપઆઉટ ઘટાડવા માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે તેમજ આ વર્ષે સરકાર દ્વારા ડ્રોપઆઉટ ઘટાડવા માટે એઆઈ બેઝ ડેટા ટ્રેકિંગ સીસ્ટમનો પણ ઉપયોગ કરાયો છે.આમ ડ્રોપઆઉટ રેટ તો માધઅયમિકમાં ઘટ્યો છે પરંતુ બીજી બાજુ ગુજરાતમાં ધો.6થી8 ડ્રોપઆઉટ રેટ ઘટવાને બદલે વધ્યો છે.
2023-24ના યુડાયસ રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધો.6થી8માં 4.9 ટકા ડ્રોપઆઉટ રેટ હતો.જે 2024-25ના રિપોર્ટ મુજબ વધીને 5.8 ટકા થયો છે.જેમાં છોકરાઓનો 5.4 ટકા અને છોકરીઓનો 6.3 ટકા છે. આ ઉપરાંત ગુજરાત સ્કૂલ શિક્ષણ માટે સારી વાત એ પણ ઘ્યાને આવી છે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ગુજરાતની સ્કૂલોમાં વધ્યો છે. 2023-24ના રિપોર્ટ મુજબ ધો.11-12માં માં 43.9 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હતો.જે 2024-25માં વધીને 47.3 ટકા થયો છે.જેમાં છોકરાઓનો 45.2 ટકા અને છોકરીઓનો 49.7 ટકા છે.
ધો.1થી8માં 2023-24માં એનરોલમેન્ટ રેશિયો 84.8 ટકા હતો જે 2024-25માં 84.6 ટકા નોંધાયો છે. ધો.9થી10માં એનરોલમેન્ટ રેશિયો 74.4 ટકા હતો જે વધીને 74.7 ટકા થયો છે. ગુજરાતમાં પ્રી પ્રાયમરીથી લઈને ધો.12 સુધીમાં કુલ મળીને કુલ 11496709 વિદ્યાર્થીઓ 2023-24માં હતા જે 2024-25માં વધીને 11501328 થયા છે. ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અને નવા પ્રવેશમાં વધારો થયો છે.


