Get The App

મોબાઈલથી બાળકો વહેલા પાકટ અને એકલવાયા બનતાં બાળ ગુનાખોરી વધી, ગુજરાત આ મામલે છઠ્ઠા ક્રમે

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
Mobile Phones Juvenile Crime in Gujarat


Mobile Phones Juvenile Crime in Gujarat: ઓપરેશન સિંદૂરનો બદલો લેવા નડિયાદના એક યુવક અને 17 વર્ષ, 10 મહિનાની ઉંમર ધરાવતા તેના મિત્રએ દેશની ડિફેન્સ, ફાઈનાન્સ, એવિએશન અને બેન્કિંગ સિસ્ટમ ડાઉન કરવા માટે સાયબર એટેક કર્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા તપાસ કર્યા બાદ આ ગંભીર મામલાની તપાસ એન.આઈ.એ. કરશે. પણ, આ કેસમાં સૌથી મોટો વળાંક એ છે કે જેને બાળ આરોપી તરીકે ગણવામાં આવ્યો છે તેને યુવાન ગણીને કાયદાકીય કાર્યવાહી કરવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે.

દેખાદેખી, પૈસા અને એક્સપોઝર પાછળ ઘેલા થતા સંતાનોથી અનેક પરિવાર પરેશાન 

એવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માતાએ ચિંતા વ્યકત કરી હતી કે, મારો 16 વર્ષનો પુત્ર સતત મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો જ જોતો રહે છે અને કોઈ વખત અમારા બેડરૂમમાં ડોકિયાં પણ કરવા આવતો હોવાથી ડર સાથે ચિંતા અનુભવાય છે. આવી ફરિયાદ અરજી શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનને મળી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી. ગુનાખોરી તરફ દોરી જતી વર્તણૂંક સામે મનોચિકિત્સકોની મદદ લઈને બાળકનું સાયકોલોજીકલ કેનવાસિંગ કરવાની પ્રક્રિયા પોલીસે કરી છે.

17 વર્ષે ગંભીર ગુના છતાં બાળ આરોપી ગણી કાયદાકીય મુક્તિ 

અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં તાજેતરમાં જ સેટેલાઈટ વિસ્તારમાં પિતાની હત્યા કરનાર પુત્ર વર્ષોથી એકલવાયું જીવન જીવન જીવવા માટે ટેવાઈ પોતાની અલગ જ દુનિયામાં ગુંથાયેલો રહેતો હતો. પિતાએ સુધારણાના પ્રયાસો કર્યા પણ એક વખત પુત્રએ અંદરથી બંધ કરેલો ઘરનો દરવાજો તોડ્યો અનર રૂમમાં ઘુસીને પિતાની હત્યા કરી નાખી. આ કિસ્સામાં આરોપી યુવા વયનો છે પણ તેની જિંદગીની સ્વતંત્રતા કે સ્વચ્છંદતાની ઝંખના બાલ્યાવસ્થા સમયથી જ શરૂ થઈ ચૂકી હોવાની વિગતો પોલીસની તપાસ ખુલી હતી તે ચોંકાવનારી બાબત છે. બાળ અવસ્થામાં ગણાય તેવા 15થી 18 વર્ષની વયના 'યુવા'ના આવા અનેક કિસ્સાઓ પોલીસ અને સરકારી સંચાલિત બાળ સુધારણા ગૃહો કે હેલ્પલાઈન સુધી પહોંચી રહ્યાં છે. 

કાયદાકીય મર્યાદા એછેકે, 18 વર્ષ ન થયાં હોય અને ગુનો આચરે તો બાળ ગુનાખોરીની વ્યાખ્યામા આવે છે અને સુધારણા કરવાની કાર્યવાહી જ થઈ શકે છે. ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025માં જ ગુજરાતમાં બાળ ગુનાખોરીના 1784 ગુના પોલીસ સમક્ષ આવ્યાં છે તેમાંથી 6.3%  ગુના કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવા ગંભીર ગુના કે જેમાં પોલીસ વોરંટ વગર જ ધરપકડ કરી શકે અથવા તો તપાસ કરી શકે છે તેવા હતા. 

બાળકો મોબાઈલ ફોનના સતત ઉપયોગના કારણે વહેલાં પાકટ અને એકલવાયાં થયા 

એક સમય હતો કે જ્યારે બાળ ગુનેગારો સામે ચોરી, બળાત્કાર, મારામારી કે હત્યાના આરોપ આવતા હતા. પણ, હવે પૈસા માટે કોઈપણ ગંભીર કૃત્ય આચરવું, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી બીજા લોકોને પરેશાની, એકતરફી લાગણીનું પાગલપન, દારૂ, ડ્રગ્સ, સિગારેટ કે અન્ય પ્રકારના વ્યસનો અને નશાખોરીની ફરિયાદો સતત વધી રહી છે.

પોલીસ અને બાળ સુધારણા વિભાગના સૂત્રો કહે છે કે, બાળકો મોબાઈલ ફોનના સતત ઉપયોગના કારણે વહેલાં પાકટ અને એકલવાયાં થઈ રહ્યાં હોવાથી બાળ ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 

સોશિયલ મીડિયાથી લેવિશ લાઈફ સ્ટાઈલનું વળગણ

સોશિયલ મીડિયાથી લેવિશ લાઈફ સ્ટાઈલનું વળગણ, દેખાદેખી, પૈસા અને એક્સપોઝર પાછળ આજના ઘણાખરાં બાળકો અને યુવા (15થી 18 વર્ષ) ઘેલાં બની રહ્યા છે. આવા સંતાનોથી અનેક પરિવારો પરેશાન છે. પૈસા ટેકનોલોજીનો દુરૂપયોગ, સોશિયલ મીડિયા ઉપર એક્સપોઝર માટેનું ગાંડપણ, પારિવારીક વિખવાદો, વિભક્ત કુટુંબના સભ્યો પ્રત્યે આંતરિક ઘૃણા સહિતની અનેક સમસ્યાઓ નવા યુગમાં બાળ ગુનાખોરીના મૂળમાં જણાઈ રહ્યાં છે. ગુજરાતમાં 26 ચાઈલ્ડ પ્રોટેક્શન હોમ અને 107 ચિલ્ડ્રન હોમ છે કે જેમાં બાળ ગુનેગારોની સુધારણાની કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો: વડોદરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના

પરિવાર અને માતા-પિતા પ્રાથમિક આપે તે જ બાળ ગુનાખોરીને અંકુશમાં લેવાનો શ્રેષ્ઠ ઉપાય

જૂવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એકટ-2015 નામે અમલમાં આવેલો કાયદો બાળકો પ્રત્યે સંવેદના સાથે સુધારણાની તરફેણમાં છે. મનોચિકિત્સકોના હવે 10 વર્ષની વયથી જ બાળકો કે 15થી 18 વર્ષના યુવા વર્ગની સંવેદનાઓ સમજી તેમના માટે પૂરતો સમય ફાળવવાની બાબતને પરિવાર અને માતા-પિતા પ્રાથમિક આપે તે જ બાળ ગુનાખોરીને અંકુશમાં લેવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

બાળ ગુનાખોરીમાં ગુજરાત છઠ્ઠા ક્રમે

વર્ષ 2013થી 2022 સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, બાળ ગુનાખોરીમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. બાળકો દ્વારા ગુનાખોરીમાં 60,000 ગુના સાથે મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે, મહારાષ્ટ્રમાં 55,852, દિલ્હી 24,887, રાજસ્થાન 24,386, તામિલનાડુ 24,301 પછી ગુજરાત 21,398 ગુના સાથે દેશમાં છઠ્ઠા ક્રમે રહેવા પામ્યું છે. વિતેલા ત્રણ વર્ષથી નેશનલ પોર્ટલ ઉપર બાળ ગુનાખોરી અંગેના આંકડાઓ જાહેર થયાં નથી તે સામાજીક રીતે ચિંતાજનક બાબત ગણાવાય છે. 

મોબાઈલથી બાળકો વહેલા પાકટ અને એકલવાયા બનતાં બાળ ગુનાખોરી વધી, ગુજરાત આ મામલે છઠ્ઠા ક્રમે 2 - image

Tags :