| Image: Freepik |
Ahmedabad-Mumbai Bullet Train : અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ આગળ ધપી રહ્યું છે. આ બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની દોડવાની હોવા છતાં તેનો કોઇ જ ઘોંઘાટ સંભળાશે નહીં. કારણ કે, બુલેટ ટ્રેનના રૂટમાં 1.75 લાખથી વઘુ નોઇઝ બેરિયર્સ (અવાજને અવરોધો) મૂકવામાં આવ્યાં છે.
દર કિલોમીટરે 2000 નોઇઝ બેરિયર્સ
મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 87.5 કિમી વિસ્તારમાં 1.75 લાખથી વઘુ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. જેમાં વાયડક્ટની બંને બાજુએ એક કિલોમીટરના અંતરે 2000 નોઈઝ બેરિયર્સ છે. આ મોડ્યુલર તત્વ માટે ત્રણ પ્રીકાસ્ટ ફેક્ટરીઓ સુરત, આણંદ અને અમદાવાદમાં અવાજ અવરોધોના ઉત્પાદન માટે સ્થાપવામાં આવી છે. ઓપરેશન દરમિયાન ટ્રેનો અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા ઉત્પન્ન થતાં અવાજને ઘટાડવા માટે આ અવાજ અવરોધો વાયડક્ટની બંને બાજુઓ પર સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ચિકનગુનિયા થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઇ શકે : નવો સ્ટ્રેન જોવા મળ્યો
મુસાફરીની મજા થઈ જશે બમણી
ઘોંઘાટના અવરોધો રેલ સ્તરથી 2 મીટર ઉંચા અને 1 મીટર પહોળા કોંક્રિટ પેનલ છે. દરેક અવાજ અવરોધનું વજન આશરે 830-840 કિગ્રા છે. આ ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક ઘ્વનિ તેમજ ટ્રેનના નીચેના ભાગ, મુખ્યત્વે પાટા પર ચાલતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરવામાં અને વિતરિત કરવામાં મદદ કરે છે. તેની ડિઝાઇન એવી છે કે, ટ્રેનની સવારીનો આનંદ માણતા મુસાફરોના દ્રશ્યમાં અવરોધ નહીં આવે. રહેણાંક અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાયડક્ટ્સમાં 3 મીટર ઊંચા અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવશે. 2 મીટર કોંક્રિટ પેનલ્સ ઉપરાંત, વધારાના 1 મીટર અવાજ અવરોધો ‘પોલીકાર્બોનેટ’ અને પારદર્શક હશે.


