Gujarat

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ

By GS TEAM
10 Nov 20253 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ(સર) શરૂ કરી દેવાયો છે ત્યારે રાજ્યભરમાં શિક્ષકો સહિતના 50,963 સરકારી કર્મચારીઓને બીએલઓની કામગીરીના ઓર્ડર થયા છે. જેમાં સૌથી વધુ સરકારી-કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો છે ત્યારે શિક્ષણકાર્ય વચ્ચે બીએલઓની કામગીરીને લઈને જ્યાં શિક્ષકોનો વિરોધ ઉઠ્યો છે ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીને એવી પણ ફરિયાદ કરાઈ છે કે 3 વર્ષથી વધુ કામગીરી બીએલઓ તરીકે અગાઉ કરી હોવા છતાં પણ ઘણા શિક્ષકોને નિયમ વિરૂદ્ધ ફરી બીએલઓના ઓર્ડર થયા છે. ઉપરાંત સગર્ભા મહિલા તેમજ 50થી વધુ ઉંમરના શિક્ષકોને પણ ઓર્ડર કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ
(AI IMAGE)

BLO Duty Teachers Protest: ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ(સર) શરૂ કરી દેવાયો છે ત્યારે રાજ્યભરમાં શિક્ષકો સહિતના 50,963 સરકારી કર્મચારીઓને બીએલઓની કામગીરીના ઓર્ડર થયા છે. જેમાં સૌથી વધુ સરકારી-કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો છે ત્યારે શિક્ષણકાર્ય વચ્ચે બીએલઓની કામગીરીને લઈને જ્યાં શિક્ષકોનો વિરોધ ઉઠ્યો છે ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીને એવી પણ ફરિયાદ કરાઈ છે કે 3 વર્ષથી વધુ કામગીરી બીએલઓ તરીકે અગાઉ કરી હોવા છતાં પણ ઘણા શિક્ષકોને નિયમ વિરૂદ્ધ ફરી બીએલઓના ઓર્ડર થયા છે. ઉપરાંત સગર્ભા મહિલા તેમજ 50થી વધુ ઉંમરના શિક્ષકોને પણ ઓર્ડર કરાયા છે.

ફરી ઓર્ડર થતા શિક્ષકોમાં વિરોધ

ફરી ઓર્ડર થવા ઉપરાંત સગર્ભા અને 50થી વધુ ઉંમરના   શિક્ષકોને પણ ઓર્ડર થયાની ચૂંટણી અધિકારીને ફરિયાદ

અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામા આવી છે કે ચૂંટણી પંચ દ્વારા બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ માટે માત્ર મ્યુનિસિપલ શિક્ષકોને વધારે પ્રમાણમાં ઓર્ડર આપવામા આવ્યા છે. 

BLO ડ્યુટીમાં રોટેશનનું ઉલ્લંઘન

ખરેખર બીએલઓ તરીકે 13 જેટલી કેડરના કર્મચરાીઓને ફરજો રોટેશન મુજબ આપવા જણાવેલ છે છતાં પણ તેનું પાલન થતુ નથી. શિક્ષકોની જગ્યાએ વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અન્ય સંવર્ગના કર્મચારીઓને બીએલઓની કામગીરી કરાવવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત શિક્ષક મંડળે એવી પણ ફરિયાદ કરી છે કે ઘણા શિક્ષકોએ 3 વર્ષ કરતા વધારે સમયથી બીએલઓની કામગીરી અગાઉ કરી હોવા છતાં પણ ફરીથી બીએલઓ તરીકેનો ઓર્ડર થયો છે. 

પરિપત્રનું નિશ્ચિતપણે પાલન કરવું અનિવાર્ય

ચીફ ઈલેક્ટોરલ ઓફિસરનો ઓગસ્ટ 2023નો જ તમામ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીનો પરિપત્ર છે કે શિક્ષકો ઉપરાંત અન્ય 12 કેડરો તેમજ સ્થાનિક કક્ષાના કર્મચારીઓ પાસેથી પણ કામગીરી કરાવવામાં આવે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાં ઓછામાં ઓછા સૂચિત કરવા જોઈ તથા તેનું નિશ્ચિતપણે પાલન કરવુ જોઈએ. ઉપરાંત ત્રણ વર્ષથી વધારે સમય બીએલઓ તરીકે કામગીરી કરી હોય તેવા કર્મચારીઓને તરત જ મુક્તિ અંગેની કાર્યવાહી કરવી. 

આમ આ નિયમ અને પરિપત્ર છતાં પણ હાલની મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અને અનેક એવા શિક્ષકોને પણ કામગીરી અપાઈ છે કે જેઓએ અગાઉ 3 વર્ષ કરતા વધુ સમય બીએલઓ તરીકે કામ કર્યુ છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં એક શિક્ષકે અગાઉ 8 થી 9 વર્ષ કામગીરી કરવા છતાં પણ ફરી બીએલઓનો ઓર્ડર થયો છે. 

શિક્ષક મંડળે ફરિયાદ કરી છે કે આવા શિક્ષકોને મુક્તિ અપાઈ નથી અને 50 વર્ષથી વધારે ઉંમરના શિક્ષકોને તેમજ દિવ્યાંગ અને સગર્ભા બહેનોને પણ આ કામગીરી અપાઈ છે. શિક્ષકોને આરટીઈની જોગવાઈ મુજબ શિક્ષણ સિવાયની કામગીરી આપી શકાતી નથી. બીએલઓની કામગીરી આપીને આરટીઈના નિયમોનનો ભંગ થયો હોવાથી શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે.

વધારાના ચાર્જ કે કામથી મુક્તિનો કલેકટરનો આદેશ

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ડીઈઓ શહેર અને ડીઈઓ ગ્રામ્ય તેમજ ડીપીઈઓ અને શાસનાધિકારીને પરિપત્ર કરીને જણાવવામાં આવ્યુ છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (સર) શરૂ કરાયો છે, ત્યારે ડીઈઓ-ડીપીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળના કર્મચારીઓની બીએલઓ તરીકે નિમણૂક કરવામાં આવે છે. જેથી આ તમામ કર્મચારીઓ હાલના ચૂંટણી પંચના સીધા નિયંત્રણ હેઠળ હોવાથી અને આ કામગીરી ખૂબ જ અગત્યની છે. ઉપરાંત સમયમર્યાદામા પુરી કરવાની છે. જેથી બીએલઓના હુકમ થયા હોય તેવા તમામ કર્મચારીઓને આ કામગીરી માટે મુક્ત કરવા અને જો અન્ય ચાર્જ અપાયો હોય તો તેમાંથી મુક્ત કરી તે ચાર્જની આંતરિક વ્યવસ્થા કરવામાં આવે.

શિક્ષકો ઉપરાંત શિક્ષણ સહાયકોને પણ ઓર્ડર કરાયા

પાલનપુરમાં સરકારી શિક્ષકોને બુથ લેવલ ઓફિસરની કામગીરીમાં મદદરૂપ થવા માટે સહાયક શિક્ષક તરીકે સ્કૂલોમાં ફરજ બજાવતા કર્મચારીઓને કામગીરીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આમ આ વખતે તો શિક્ષકો ઉપરાંત સહાયક શિક્ષકોને પણ મતદાર યાદી કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે કેન્દ્રના પરખ સર્વેક્ષણમાં ગુજરાતના શિક્ષણની અનેક ખામીઓ-નબળાઈ સામે આવી છે અને ગુજરાતનો રેન્ક શિક્ષણમાં નીચો ઉતર્યો છે ત્યારે શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય અનેક કામગીરી સોંપાતી હોઈ તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડે છે.