Get The App

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા

નોર્થ ઇસ્ટના રાજ્યોના બોગસ લાયસન્સનો મામલો

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર  જપ્ત કરાયા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

ગુજરાત એટીએસના અધિકારીઓએ નાગાલેન્ડ અને અન્ય નોર્થ ઇસ્ટના અન્ય રાજ્યમાંથી હથિયારનું બોગસ લાયસન્સ મેળવીને તેની મદદથી હથિયાર ખરીદવાના કૌભાંડનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કર્યા હતા. ત્યારે ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન મળેલી વિગતોને આધારે એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓને ઝડપીને ૧૫ હથિયાર અને ૪૮૯ જેટલી કારતુસ જપ્ત કરી હતી.

 નાગાલેન્ડ અને નોર્થ ઇસ્ટના અન્ય રાજ્યોના મળતિયાઓની મદદથી હથિયાર માટેનું બોગસ લાયસન્સ તૈયાર કરીને તેના આધારે હથિયારો ખરીદી કરવાના મામલે ગુજરાત એટીએસમાં દાખલ થયેલી ફરિયાદમાં સાત આરોપીઓની ધરપકડ કરીને તમામના ૧૧ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમણે ૧૬ જેટલા લોકોને હથિયારનું બોગસ લાયસન્સ આપ્યાનું બહાર આવતા એટીએસ દ્વારા રાજકોટ, બોટાદ, સુરત અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાંથી ૧૬ લોકોની ધરપકડ કરીને તમામ પાસેથી પિસ્તોલ, રિવોલ્વર સહિત ૧૫ હથિયાર તેમજ ૪૮૯ જેટલી કારતુસ જપ્ત કરી હતી.

આ ઉપરાંત, તપાસમાં અન્ય નામ પણ સામે આવ્યા છે. આ અંગે એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીએ જણાવ્યું કે  ઇમ્ફાલ ખાતે તમામ લાયસન્સ અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તમામ લાયસન્સ બનાવટી છે. તેમજ તેના આધારે હરિયાણાના એક હથિયારના વેપારી પાસેથી હથિયાર ખરીદી કરાયા હતા.અગાઉ એટીએસના હાથે ઝડપાયેલા સાત આરોપીઓ બોગસ લાયસન્સના નેટવર્કને વધારવા માટે ચોક્કસ મોડસ  ઓપરેન્ડી ધરાવતા હતા. જેમાં તે સૌરાષ્ટ્ર કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં  લગ્ન પ્રસંગમાં જતા ત્યારે હથિયાર સાથે રાખતા હતા અને જથી  કોઇ પુછપરછ કરે તો  તેમને અપાવવાની ખાતરી આપીને પાંચ લાખ થી માંડીને ૨૫ લાખ સુધીની રકમ વસુલીને લાયસન્સ અપાવતા હતા. તેમજ તગડુ કમિશન લઇને હથિયાર પણ સપ્લાય કરતા હતા. આ કેસમાં હજુ મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Tags :