ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, 3 પિસ્તોલ, 30 કારતૂસ જપ્ત કરાયા

Gujarat ATS: ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતાં ત્રણ શખસોને આજે રવિવારે (9 નવેમ્બર) ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા. આરોપી પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ શંકાસ્પદ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો હોવાની જાણકારી છે.
બાતમીના આધારે વોચ ગોઠવાઈ
ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા
આ ત્રણેય શખસો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.

