Gujarat

ગુજરાત સરકારે કામના કલાકો 9થી વધારીને 10 કર્યા, મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી... વિધાનસભામાં દુકાન-સંસ્થા (સુધારા) બિલ પસાર

By GS TEAM
17 Feb 20263 mins read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભામાં આજે મંગળવારે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે દૈનિક કામના કલાકોની મર્યાદા 9થી વધારીને 10 કલાક કરાઈ છે, ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં કુલ 125 કલાકથી વધારીને 144 કલાક કરાઈ છે. અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી સંસ્થાઓને આ નિયમ લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારે કામના કલાકો 9થી વધારીને 10 કર્યા, મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી... વિધાનસભામાં દુકાન-સંસ્થા (સુધારા) બિલ પસાર

Gujarat Govt Working Hours: ગુજરાત વિધાનસભામાં આજે મંગળવારે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે દૈનિક કામના કલાકોની મર્યાદા 9થી વધારીને 10 કલાક કરાઈ છે, ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં કુલ 125 કલાકથી વધારીને 144 કલાક કરાઈ છે. અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી સંસ્થાઓને આ નિયમ લાગુ પડશે.

બિલની ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હોબાળો

ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરાયું હતું, જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરાયું હતું. આ બિલની ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરવાની માગ સાથે પોસ્ટરો બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

'કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધીને 10 કલાક'

શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું કે, આ સુધારાને પગલે અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને ટૂંક સમયમાં આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20થી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય તેવી સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઇન જાણ કરવાની રહેશે. પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે. સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધારીને 6 કલાક કરાઈ છે. 

મહિલાઓને રાત્રિ દરમિયાન (નાઇટ શિફ્ટ) સુરક્ષા સાથે કામની છૂટ 

'આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ 125 કલાક હતી, જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે. મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા મહિલાઓને આરામ માટેના રૂમ, રાત્રિ ઘોડિયા ઘર, શૌચાલય તેમજ તેમના ગૌરવ, સન્માન અને સલામતીના યોગ્ય રક્ષણ, સંસ્થાથી નિવાસ સ્થાન સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા માલિક દ્વારા પૂરી પડાતી હોય એવી સંસ્થામાં મહિલા શ્રમયોગીને રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક વચ્ચેના સમયમાં કામ કરવાની મંજૂરી આપી શકાશે. આ જોગવાઈનો હેતુ કામના સ્થળે મહિલાઓની સુરક્ષા જાળવવાનો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ફાઇનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ

ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયકનો હેતુ શું?

શ્રમ મંત્રીના જણાવ્યા મુજબ, 'કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી વખતે કામ કરવાની મંજૂરી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઈ કરાઈ છે.'