For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, 8મી ડિસેમ્બરે પરિણામ

Updated: Nov 3rd, 2022

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, 8મી ડિસેમ્બરે પરિણામ

અમદાવાદ,તા.3 નવેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાતમાં જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તેની આજે આખરે જાહેરાત થઈ ગઈ હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેમાં બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1લી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.

મહત્વનું છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતની તારીખોની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી. 

મતદાનની તારીખ : 1લી અને 5મી ડિસેમ્બર, 2022

પરિણામની તારીખ : 8 ડિસેમ્બર 2022

કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ પહેલા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

ચૂંટણી પંચે પોતાની પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે મોરબીની ઘટનાને યાદ કરતા શ્રદ્ધાંજલિ પાઠવી હતી દુઃખ વ્યક્ત કર્યુ હતું.

Article Content Image

સિનિયર સિટીઝન્સ માટે સુવિધાઓ

- ઘરેથી પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે, Form 12D ભરવાનું રહેશે

- સુગમ પોલિંગ સ્ટેશન દ્વારા સરળતાથી મતદાન કરી શકશે

- વોલિયન્ટર્સ તેમની મદદ માટે રખાશે

- વોટિંગ કરવા માટે તેમને પ્રથમ જવા દેવાશે

રાજકીય પક્ષોની પણ એવી ધારણા હતી કે બન્ને ગણતરી સાથે હશે એટલે જ હિમાચલમાં મતદાન અને ગણતરી વચ્ચે ૨૭ દિવસ જેટલો સમયગાળો રાખવામાં આવ્યો છે.

છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ૨૦૧૭ની ચુંટણીમાં ૧૮૨ સભ્યોની ધારાસભામાં ભાજપે ૯૯ બેઠકો મેળવી હતી. આ વખતે ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આક્રમક રીતે પ્રચાર કરી રહી છે ત્યારે ત્રિપાંખિયો જંગ થવાનો છે.

ગુજરાતમાં આશરે 5 કરોડ મતદાતા કરશે મતદાન

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ 4 કરોડ 90 લાખ (4,90,89,765) મતદારો નોંધાયા છે. જેમાં 2.5 કરોડ (2,53,36,610) પુરુષ મતદારો અને 2.37 કરોડ (2,37,51,738) મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. આ સિવાય સર્વિસ ઇલેક્ટર્સ, PWD અને પ્રથમ વખત વોટ કરનારાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત વોટ કરનારાની સંખ્યા 4,61,494 છે.

ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો : 182

સામાન્ય બેઠક - 142

SC અનામત - 13

ST અનામત - 27

રાજ્યમાં મતદાન મથકો - 51782

એક બુથ પર એવરેજ 934 મતદાર હશે

દરેક વિધાનસભામાં એક મોડલ પોલિંગ સ્ટેશન હશે

50 ટકા કરતા વધુ મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

મહિલા મતદારો માટે 1374 મતદાન મથકો મહિલા સ્ટાફ સંચાલિત હશે

AAP અત્યાર સુધી 108 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા

આ બાજુ હાલમાં જ આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી હતી. નવી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. AAP તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો માટે જાહેરાત બાકી

હજુ સુધી કોંગ્રેસ અને ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના મૂરતિયાઓની જાહેરાત કરી નથી પરંતુ સૂત્રો અનુસાર બંને પક્ષોએ પોતાની યાદી સંપૂર્ણપણે તૈયાર કરી દીધી છે. આવામાં કોંગ્રેસની તૈયાર થયેલી યાદી લીક પણ થઈ ગઈ છે તેવા પણ સમાચાર વહેતા થઈ ચૂક્યા છે. જેમાં મોટા ભાગના દિગ્ગજોને રિપીટ કરવાની માહિતી સાંપડી રહી છે. 

આ બાજુ ભાજપના અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે અને ચૂંટણીની વ્યૂહરચના તેમ જ તમામ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરવા બેઠક પણ બોલાવી છે. આ અગાઉ તેમણે માત્ર 25 ટકા ચહેરા બદલાશે તેવું કહ્યું હતું, તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઘણાં ચહેરાં બદલાઈ જશે તેવી વાત કરી છે.હવે આ ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોને રિપીટ કરે છે કે નો રીપીટ તે લગભગ આ ત્રણ દિવસની બેઠક બાદ લગભગ સ્પષ્ટ થઇ જશે.

Gujarat