ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના પરીણામો કોગ્રેસ માટે વોટર લૂ સાબીત થયા
૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી ઓછી ૩૩ બેઠકો મળેલી
૨૦૨૨માં કોંગ્રેસ આ હારનો પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે
અમદાવાદ,૮ ડીસેમ્બર,૨૦૨૨,ગુરુવાર
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કરુણ રકાસની વાત નિકળે ત્યારે અત્યાર સુધી ૧૯૯૦ના ચૂંટણી પરીણામોનું ઉદાહરણ આપવામાં આવતું હતું. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૮૨માંથી માત્ર ૩૩ બેઠકો મેળવી હતી. અનામત આંદોલન, મોંઘવારીથી લઇને આ બધી જ બાબતોનો પડઘો ૧૯૯૦ના ઇલેકશનમાં પડયો હતો. જેમાં કોગ્રેસને ૧૯૮૫માં ૧૪૯ બેઠકો મળી હતી તે ઘટીને માત્ર ૩૩ થઇ ગઇ હતી. વીપીસિંહના જનતાદળ અને ભાજપના ગઠબંધને ગુજરાતમાં ફતેહ હાંસિલ કરી હતી.ભાજપને ૬૭ જયારે જનતાદળને ૭૦ બેઠકો મળી હતી. અગાઉ ૧૯૮૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૪૯ બેઠકો મેળવી હતી જે પાંચ વર્ષમાં ૩૩ બેઠકો પર સમેટાઇ ગઇ હતી.
૧૯૯૦ની આ શરમજનક હારને પણ ભૂલાવી જે તેવું માઠા પરીણામો ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના પરીણામો મળી રહયા છે. ભાજપ છેલ્લા ૨૭ વર્ષથી સત્તામાં હતું. સતત સાતમી વાર રેકોર્ડતોડ બહુમતીથી જીત મેળવી રહયું છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો કોંગ્રેસ માટે વોટર લૂ સાબીત થઇ રહયા છે. ચૂંટણી પરીણામો પહેલા ગુજરાત કોંગ્રેસ ૧૨૫ બેઠકો સાથે બહુમતિ મેળવવાનો દાવો કરતી હતી પરંતુ વરતારા અને પરીણામોમાં માંડ ૨૦ બેઠકો પણ મળી રહી નથી. પીએમ નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીના તાબડતોબ આક્રમક પ્રચાર સામે કોંગ્રેસની ખાટલા પરીષદો અને ડોર ટુ ડોર કેમ્પઇન જેવી વ્યૂહરચનાઓ નિષ્ફળ ગઇ છે.
સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં ભાજપ જયારે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ નો મતદારો પર સારો પ્રભાવ હોવાનું માનવામાં આવતું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો મેળવીને ભાજપના વિજય રથને ૯૯એ અટકાવી દીધો હતો. ભાજપ માટે ગત વિધાનસભા ચૂંટણીનો ચુકાદો વોર્નિગ બેલ સમાન હતો પરંતુ કોંગ્રેસની નબળી નેતાગીરી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાના સ્થાને ૨૦ થી ૨૫ બેઠકો પુરતી સમેટાય અને ભાજપ કયારેય ના મેળવી હોય એટલી બેઠકો સાથે રેકોર્ડ તોડ જીત તરફ અગ્રેસર છે.