AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં: કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન સાથે કરી મુલાકાત, અતીક અહેમદને મળતા અટકાવાયા
નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર 2021 સોમવાર
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે. ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકાવાના છે. AIMIM ચીફ ઓવૈસી ગેંગસ્ટર અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે અટકાવ્યા. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનને મળ્યા. તેઓ શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. એ ઉપરાંત તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે. તેઓ આજે સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટલમાં પોલીસે તેમને રોકી લીધા હતા.
ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા આજે ઓવૈસી ગુજરાતમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ડોન અતીક અહેમદ સાથે મુલાકાત કરવાના હતા પરંતુ જેલ વહીવટીતંત્રએ ઓવૈસી સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી નથી.
અતીક સાથે માત્ર તેમના પરિજન જ મળી શકે છે - જેલ વહીવટીતંત્ર
અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત પ્રવાસ પર જવાના છે. પ્રવાસ પર ગયા પહેલા તેમણે કહ્યુ કે તેઓ સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદ સાથે પણ મુલાકાત કરશે પરંતુ અતીક અહેમદ સાથે તેમની મુલારાત કરવા પર સાબરમતી જેલ વહીવટીતંત્રએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જેલ વહીવટીતંત્રનુ કહેવુ છે કે અતીકને માત્ર તેમના પરિજન અથવા સંબંધીઓ જ મળી શકે છે, ઓવૈસીને મુલાકાતની પરવાનગી આપવામાં આવશે નહીં.
ઓવૈસીની પાર્ટીમાં સામેલ થયા અતીક અહેમદના પત્ની
આ મહિને સાત સપ્ટેમ્બરે અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન ઓવૈસીની પાર્ટીમાં સામેલ થયા હતા. શાઈસ્તા પરવીને AIMIM પ્રયાગરાજ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર બની શકે છે.
100 બેઠક પર ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી
અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ હતુ કે અમારી પાર્ટી આ વખતે 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યુ કે અમારો હેતુ રાજ્યના મુસલમાનોને સશક્ત બનાવવાનો છે. ઓવૈસીનો દાવો છે કે રાજ્યમાં મુસલમાનોને સરકારી યોજનાઓનો પૂરો લાભ મળી શકતો નથી.