Get The App

ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના 1 - image


Gandhinagar News : પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને POK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઇક કરી હતી. જે બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરવાને લઈને DGP ઑફિસ દ્વારા 7 મે, 2025ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે શુક્રવારે (9 મે, 2025) બધા જ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના 2 - image

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાજર થવા સૂચના

જ્યારે રજા પર ગયેલા રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને આપવામાં આવી છે. જેમાં અધિકારી-કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી ટ્રેનો રદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ-અમદાવાદ-ભુજ, ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભુજ-રાજકોટ-ભુજ ટ્રેનો રદ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી આપી હતી.

Tags :