Murder Accused in Adipur: એક તરફ થર્ટી ફસ્ટ આવી રહી છે જેની ઉજવણી કરવા માટે નશાખોરો દારૂની મજા માણતા હોય છે. જેથી પોલીસે થર્ટી ફસ્ટ પહેલા જ પોતાની કામગીરી કડક કરી દે છે અને નશાખોરોને પકડવા લાગે છે ત્યારે હજુ પૂર્વ કચ્છના અંજારમાં પોલીસે અડધા કરોડનાં દારૂનો નાશ કરી પ્યાસીઓના અરમાનો પર બુલડોઝર ફેરવ્યું હતું ત્યાં આદિપુરમાં કુખ્યાત બુટલેગરોએ પોતાની દારૂ વેચવાની હરીફાઈમાં અને વિસ્તાર પર કાબો મેળવવા રેસમાં બોલાચાલી કર્યા બાદ સમાધાન કરવા બોલાવી ઘાતકી હથિયાર ધારણ કરી હત્યા કરી નાખવાના ઇરાદે બીજા બુટલેગર અને તેના સગીરતો પર હુમલો કરી નાખતા સમગ્ર ગાંધીના ધામ એવા આદિપુર વિસ્તારમાં ચકચાર જગાવી નાખી છે.
સમાધાન માટે બુટલેગરોએ મીટિંગ કરી ત્યાં વિવાદમાં એક બુટલેગરે છરી ઝીંકી
આદિપુરનાં વોર્ડ 6-A માં રહેતા સચિન વિકાસ આનંદાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીની અગાઉ આદિપુરનાં વોર્ડ 6-A માં રહેતા આરોપી મનીષ ઉર્ફે મનીયો વિનોદભાઈ મૂલચંદાણી સાથે બોલાચાલી થઇ હતી. જેનું મનદુઃખ રાખી આરોપી મનીષે ફરિયાદીને ફોન કરી ગાળાગાળી કરી અને ફોન પર ફરિયાદીને 'તારે વોર્ડ 6-A બાજુ નહિ આવવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.' જે બાદ આરોપીએ ફરિયાદીને ફોન કરી સમાધાન માટે આદિપુરનાં સંતોષી માતાના મંદિર પાસે બોલાવ્યો હતો.
ફરિયાદીના ખંભાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી
ફરિયાદી પોતાની સ્કૂટી લઇ મંદિર પાસે પહોંચ્યો હતો. જ્યાં આરોપી મનીષ ઉર્ફે મનીયો આવી ફરિયાદીને ગાળો આપી હતી અને કીધું હતુ કે, 'તને ના પાડી છતાં તું કેમ અવાર નવાર મારા વિસ્તારમાં આવે છે કહી જેકેટ માંથી છરી અને કોયતો કાઢી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.' જેમાં આરોપીએ ફરિયાદીના ખંભાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ફરિયાદીને બચાવવા વચ્ચે પડતા સાથીને પણ છરીના ઘા ઝીંકી દીધા
ઝગડામાં ફરિયાદીને બચાવવા વચ્ચે પડતા તેના સાથી લાલો ઉર્ફે પૃથ્વી પર આરોપીએ છરીના છ થી સાત ઘા ઝીંકી દીધા હતા અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુને પણ હાથમાં છરીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં છરી વડે હુમલો કરનાર મનીષની અટકાયત કરી લીધી હતી.

વિદેશી દારૂનો વેચાણના કારણે થયો ઝગડો
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે, આદિપુરના વોર્ડ 6-A વિસ્તારમાં લાલો ઉર્ફે પૃથ્વી ભરતભાઈ ઠક્કર આદિપુરના વોર્ડ 6-A વિસ્તારમાં છેલ્લા આઠેક વર્ષથી વિદેશી દારૂનો વેચાણ કરી રહ્યો છે. જ્યારે આ જ વિસ્તારમાં મનીષ ઉર્ફે મનિયાએ છેલ્લા બે વર્ષથી વિદેશી દારૂ વેચવાનું ચાલુ કર્યું છે. જેમાં આ લાલો ઉર્ફે પૃથ્વીને ધંધોમાં ખોટ જઈ રહી છે. જે બાબતે બે વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને ગાળાગાળી થઇ ચુકી છે.
મારી નાખવાના ઇરાદે કર્યો હુમલો
જેમાં દારૂ વેચવા મુદ્દે સંતોષી માતાજીનાં મંદિર પાસે બેઠક કરવા જતા બેઠકમાં બોલાચાલી થતા આ માથાભારે બુટલેગર મનીષે લાલો ઉર્ફે પૃથ્વી અને તેના બે સાગરીતો પર મારી નાખવાના ઇરાદે છરી અને કોયતા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં આદિપુરના બુટલેગર લાલો ઉર્ફે પૃથ્વીને બેફામ છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં લાલા સાથે તેના બે સાગરીતો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સંતોષી રોડ પર તેમના લોહી વહી નીકળ્યા હતા.
બે બુટલેગરો વચ્ચે જુલાઇ મહિનાથી વૈમનસ્ય કાયદાની ઐસીતૈસી કરી જાહેરમાં ખુની હુમલો
ગત જુલાઇ માહિનામાં એસએમસી અને સ્થાનિક પોલીસે એક જ દિવસે કરેલી કાર્યવાહી બાદથી આદિપુરમાં જાણે બુટલેગર રાજ ફેલાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે. સૂત્રોનું માનીએ તો પોલીસે જ ઊભા કરેલા બુટલેગર હવે પોલીસ સામે જ બાયો ચડાવી રહ્યા છે અને આદિપુરમાં કાયદા વ્યવસ્થાની ઐસીતૈસી કરી જાહેરમાં બાખડી પડયા હોવાની ઘટના પણ બની છે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમા શરૂ, સેંકડો ભક્તો જોડાયા
ખુદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આદિપુરમાં અગાઉ જુલાઈ મહિનામાં આ લાલો ઉર્ફે પૃથ્વી ભરતભાઈ ઠક્કરના રહેણાંક મકાનમાં એસ એમ સીએ દરોડો પાડયો હતો. જે દરોડામાં તેના ઘરમાંથી પોલીસે વિદેશી દારૂની 103 બોટલો મળી આવી હતી. જેમાં સ્થાનિક પોલીસે તે જ દિવસે આ મનીષ ઉર્ફે મનિયાનાં મકાન પર દરોડો પાડી દારૂની 72 બોટલ ઝડપી પડી હતી. જે દિવસ બાદ ફરી સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ આ બંને બુટલેગરોએ દારૂનો ધંધો ચાલુ કરી દીધો હતો.
બંને બુટલેગરો વચ્ચે એરિયા બાબતે પણ ડખો સર્જાયો
સૂત્રોએ એવું પણ ઉમેર્યું હતું કે એસએમસીની કાર્યવાહી બાદ બાતમી આપ્યાનો વહેમ રાખી બંને બુટલેગરો વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. તો બીજી તરફ બંને વચ્ચે એરિયા બાબતે પણ ડખો સર્જાયો હતો. પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, બંને બુટલેગરોએ એક યા બીજી રીતે પોલીસ એજન્સીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બંનેએ એક બીજા પર દરોડો પડાવ્યો હોવા બાબતે પણ ડખો હોવાનું અમુક પોલીસ કર્મીઓ જાણતા હોવાથી આ બાબતનો ભરપૂર લાભ લઈ પોતાના ખિસ્સા ગરમ કર્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
કાયદાની ઐસીતૈસી કરી બંને બુટલેગર જાહેરમાં જ સામસામે આવી ગયા
અંગત સૂત્રોએ જણાવ્યુ હતું કે, બુટલેગરો વચ્ચે ચાલતી દુશ્મનીનો અંત લાવવા અમુક પોલીસ કર્મીઓ દ્વારા 2-3 વખત પ્રયાસ પણ કરાયો છે પરંતુ તેમાં સફળતા નથી મળી, જેના કારણે કાયદાની ઐસીતૈસી કરી બંને બુટલેગર જાહેરમાં જ સામસામે આવી ગયા છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ ગમે તેટલા દાવાઓ કરે પણ બુટલેગરો બેફામ બન્યા છે અને જો ટૂંક સમયમાં તેમના પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદા વ્યવસ્થાની સ્થિતિ ક્યાં પહોચશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.


