Gujarat Accident: ગુજરાતમાં રોડ એક્સિડેન્ટના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધી 1,78,975 વ્યક્તિને રોડ એક્સિડેન્ટમાં ઈજા થયેલી છે. ગત વર્ષે રોડ એક્સિડેન્ટથી 1,65,065 ઈજાગ્રસ્તો નોંધાયા હતા. આ સ્થિતિએ ગત વર્ષની સરખામણીએ રોડ એક્સિડેન્ટમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે 21 અને પ્રતિ દિવસે 500 વ્યક્તિને અકસ્માતમાં ઈજા થાય છે.
અકસ્માતમાં અમદાવાદ મોખરે: 28,677 લોકો ઇજાગ્રસ્ત
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના જે જિલ્લામાં માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદ જિલ્લામાં 1 જાન્યુઆરીથી 25 ડિસેમ્બર સુધી 28677 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. જેની સરખામણીએ 2023માં 25191, વર્ષ 2024માં 27886 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા બાદ '108'ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઈજાના કેસમાં વાર્ષિક 5%નો ઉછાળો
અમદાવાદમાં રોડ એક્સિડેન્ટથી ઈજાના કેસમાં દર વર્ષે 5-5 ટકાનો વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ દિવસે 80 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે. રોડ એક્સિડેન્ટથી ઈજાના સૌથી વધુ કેસમાં સુરત 18983 સાથે બીજા, વડોદરા 11755 સાથે ત્રીજા જ્યારે રાજકોટ 9200 સાથે ચોથા સ્થાને છે. વર્ષ 2024નીસરખામણીએ વર્ષ 2025માં કેસમાં વધારો થયો હોય તેમાં મુખ્યત્વે સુરત, પંચમહાલ, નર્મદા, દાહોદ, બોટાદ, અમરેલીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય



