ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે
Gir Somnath 5 Island Ban: ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના પાંચ ટાપુઓ પર સહેલાણીઓ અને અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા અધિક કલેકટર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિમર ભેંસલા આઈલેન્ડ, સિમર ભેંસલા રોક, સરખડી વિસ્તાર રોક, સૈયદ રાજપરા રોક અને માઢવાડ ભેસલા ટાપુઓ પર આગામી બે મહિના સુધી કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી શકશે નહીં. આ પ્રતિબંધનો મુખ્ય હેતુ સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણ હોવાનું મનાય છે. અહીં કોઇ માનવ વસવાટ નથી.
આ જાહેરનામાને કારણે આ ટાપુઓની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા સહેલાણીઓને ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.