Gujarat Earthquack News : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ નોંધાઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કુલ ચાર હળવા આંચકા અનુભવાયા છે. જોકે, તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાના કારણે ક્યાંય પણ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
આજે (14 જાન્યુઆરી) વહેલી સવારે બે આંચકા
આજે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે 02:23 વાગ્યે એક જ સમયે બે અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના કંપન નોંધાયા હતા:
સૌરાષ્ટ્રના અમરેલી નજીક 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 37 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ (SSW) દિશામાં જમીનથી 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક 1.6ની તીવ્રતાનો એક અત્યંત હળવો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વ (SSE) દિશામાં માત્ર 1.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ગઈકાલે (13 જાન્યુઆરી) પણ બે આંચકા નોંધાયા હતા
આ પહેલાં ગઈકાલે, મંગળવારના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી:
કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી 41 કિલોમીટર ઉત્તર-પૂર્વ (NNE) દિશામાં વહેલી સવારે 03:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
જ્યારે પોરબંદરથી 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સવારે 09:58 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આમ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના જુદા જુદા સિસ્મિક ઝોનમાં હળવા કંપન નોંધાતા ધરા ફરીથી ધ્રુજી ઉઠી હતી.


