Get The App

કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત

Updated: Mar 31st, 2025

GS TEAM


Google News
Google News
કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત 1 - image


Gujarat Child Malnutrition Deaths: કુપોષણમુક્ત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. સાથે સાથે કુપોષણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં બાળ મૃત્યુદરમાં સુધારો થઈ શક્યો નથી. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, છેલ્લાં પાંચેક વર્ષમાં જ જન્મના 24 કલાકમાં 18,231 નવજાત શિશુઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 83,538 નવજાત શિશુઓ એક વર્ષ પણ જીવિત રહી શક્યા નહીં. આમ, ગુજરાત સરકાર કુપોષણને કાબૂમાં લેવામાં સંદતર નિષ્ફળ નિવડી છે. 

ગુજરાત સરકારનો કુપોષણ પાછળ રૂ. 509 કરોડનો ખર્ચ

ગુજરાતમાં સગર્ભાઓના પોષણના, નામે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ઓછું વજન અને અપૂરતી વૃદ્ધિ ધરાવતાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સાથે સાથે નવજાત શિશુઓનો મૃત્યુદર પણ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત સરકારે કુપોષણ પાછળ રૂ. 509 કરોડનો ખર્ચ કર્યો છે તેમ છતાં આજે ગુજરાતમાં 5.40 લાખ બાળકો કુપોષિત છે. 

નવજાત શિશુનો મૃત્યુ દર જ ઘટાડી શકાયો નહીંઃ કેગ 

પૂરતા આહાર-વિટામીનને લીધે કુપોષણનું પ્રમાણ ઘટ્યું નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે તેમ છતાંય કુપોષણની લડાઈમાં અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત ઘણું પાછળ રહ્યું છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2022-23 સુધીમાં જન્મના 24 કલાકમાં મૃત્યુ પામ્યા હોય તેવા નવજાત શિશુઓની સંખ્યા 18,231 છે. આનો અર્થ એ છે કે, દર વર્ષ સરેરાશ 3000 શિશુ હૉસ્પિટલના બિછાને જ મોતને ભેટે છે. પાંચ વર્ષમાં 83,538 નવજાત શિશુઓ સારવાર છતાંય એક વર્ષ પણ જીવિત રહી શક્યા નથી. 

ઓછું વજન-અપૂરતી વૃદ્ધિને કારણે નવજાત શિશુના મૃત્યુ

આ ઉપરાંત ઓછું વજન-અપૂરતી વૃદ્ધિને કારણે નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. આ સમયગાળા દરમિયાન, 8,12,886 નવજાત શિશુઓના જન્મ થયાં જેમનું વજન અઢી કિલોથી પણ ઓછું રહ્યું હતું. માતાઓને પોષણયુક્ત આહાર ન મળતાં કુપોષિત શિશુનો જન્મ થાય છે. રાષ્ટ્રિય પોષણ મિશનની ગાઇડલાઇન 2017 મુજબ ઓછું વજન ધરાવતા શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો થઈ શક્યો નથી. આજે પણ ગુજરાતમાં 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા નવજાત શિશુઓની ટકાવારી 11.63 રહી છે. આમ, નવજાત શિશુઓનો મૃત્યુદર ચિંતાજનક હદે વધી રહ્યો છે ત્યારે કુપોષણમુક્ત ગુજરાતની કડવી વાસ્તવિકતાનો ચિતાર ખુલ્લો પડ્યો છે.

સાત જિલ્લામાં ન્યુટ્રિશિનલ રિહેબિલિટેશન સેન્ટર્સ જ બનાવાયા નહીં 

જે નવજાત શિશુ અતિ ગંભીર કુપોષણનો શિકાર હોય તેમને વધુ સારવાર આપવા માટે ન્યુટ્રિશિનલ રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવવા નક્કી કર્યું હતું. કેગે નોધ્યું કે, સાત જિલ્લામાં આવી કોઈ આરોગ્ય સુવિધા જ ઊભી કરવામાં આવી નહીં, નવજાત શિશુનો મૃત્યુ દર ઘટાડવા માટે ન્યુટ્રિશિનલ રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવવા જરૂરી છે ત્યારે અરવલ્લી, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર, મોરબી અને પોરબંદરમાં ન્યુટ્રિશિનલ રિહેબિલીટેશન સેન્ટર્સ જ બનાવવામાં આવ્યા ન હતા. 

આ પણ વાંચો: વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત

8.82 લાખ શિશુની ઓળખ કરાઈ, તપાસ થઈ ફક્ત 94,000 શિશુની 

કુપોષણથી પીડિત નવજાત શિશુઓની ઓળખ કરાઈ હતી જેમાં 8.82 લાખ શિશુઓ અતિ ગંભીર કુપોષણથી પીડાતા હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય કર્મચારીએ ઘેર ઘેર જઈને શિશુઓના આરોગ્યની ચકાસણી કરવાની હતી પણ માત્ર 94,000 શિશુઓની જ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 1.63 લાખ શિશુઓને કુપોષણ સારવાર કેન્દ્રો પર લઈ જવાયા હતા. આમ, શિશુઓના આરોગ્યની ચકાસણી કરવામાં સદંતર નિષ્કાળજી દાખવવામાં આવી હતી. 

કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત 2 - image

Tags :