ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image: Instagram: @prafulpansheriyabjp |
Gujarat Board: ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જોકે, આ દરમિયાન ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા પણ ચાલી રહી છે. પરંતુ, ભારે વરસાદના કારણે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ સુધી પહોંચી ન શક્યા હોય તેવી સ્થિતિ પણ સામે આવી હતી. જેને લઈને શિક્ષણ વિભાગે ખાસ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, વરસાદના કારણે વંચિત વિદ્યાર્થીઓ પરીક્ષા પૂરી થાય ત્યારબાદ ફરીવાર પરીક્ષા આપી શકશે, જે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સગીર પીડિતા પર વારંવાર દુષ્કર્મ અંગે પરણીત ભાજપ કાર્યકર્તા વિલ્સન સોલંકીની ધરપકડ
શિક્ષણ મંત્રીએ આપી માહિતી
આ વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, 'સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાંક શહેરમાં 24 કલાકમાં 10થી 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે તમામ જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે. યાતાયાત સંપૂર્ણ બંધ છે. એવામાં દસ અને બાર બોર્ડની પણ પૂરક પરીક્ષા ચાલી રહી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ વરસાદના કારણે પરીક્ષાસ્થળે પહોંચી નથી શક્યા. જેથી, શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે તે આપશે જ અને જાહેર કરાયેલા ટાઇમટેબલ મુજબ જ પ્રક્રિયા શરૂ રહેશે. જોકે, જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા તેમના માટે પરીક્ષા પૂર્ણ થયા બાદ ફરી પરીક્ષા લેવામાં આવશે.'
આ પણ વાંચોઃ સુરત સ્માર્ટ સીટી ને બદલે લેક સીટી બની ગયું, કોંગ્રેસે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું
વિદ્યાર્થીઓને આપી સાંત્વના
વિદ્યાર્થીઓને સાંત્વના આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, 'ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચિંતા ન કરતા. તમારા માટે સરકારી બીજી વ્યવસ્થા કરી છે. કારણ કે, આટલા બધા વરસાદની અંદર ઘણાં સ્કૂલ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. તેથી, આ બધી બાબતોને ધ્યાને લઈ વંચિત વિદ્યાર્થીઓ માટે જેમના એક કે બે પેપર છૂટ્યા છે, તે ફરીવાર પૂરક પરીક્ષા આપી શકશે. જેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.'









