પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન અપાયું
ટ્રાન્સપોર્ટેશનમાં સલામતી - સુરક્ષાના ભાગરૂપે તાલુકા કક્ષાની તાલીમ શિબિર
શાળા પરિવહન યોજના હેઠળના ચાર તાલુકાના 100 જેટલા વાહન ચાલક / માલિકો હાજર રહ્યા
વડોદરા જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશનમાં સલામતી - સુરક્ષાના ભાગરૂપે તાલુકા કક્ષાએ વાહન માલિક/ચાલકોને તાલીમ શિબિર થકી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન અને રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગેની સમજ આપી હતી. રાજ્યમાં વડોદરા જિલ્લાની આ પ્રથમ પહેલ છે.

વડોદરા જિલ્લા કલેકટરની સૂચના હેઠળ આજે ડીઈઓ કચેરી વડોદરા ખાતે સમગ્ર શિક્ષા વડોદરા અને આરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે સલામતીના ભાગરૂપે ડેસર, સાવલી, વડોદરા અને પાદરાના શાળા પરિવહન યોજનાના 100 જેટલા વાહન માલિક/ચાલકોને તથા આઠ તાલુકાના કોર્ડીનેટરો ટ્રાન્સપોર્ટેશન સુવિધા સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી. આરટીઓ ઓફિસર જે.કે. પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ તાલીમમાં રીક્ષા, ઈકો, વાનમાં કોમર્શિયલ નંબર પ્લેટ બનાવી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બેઠક વ્યવસ્થા, ફાયરનો બોટલ, હાજરીપત્રક ,જીપીઆરએસ અને સફર એપ્લિકેશન રાખવા સૂચન કર્યું હતું. પ્રેઝન્ટેશન થકી સલામતી માટે શું કરવું તેના માર્ગદર્શન સાથે વીમો ,આરસીબુક , પોલીસ વેરીફીકેશન , વાહન ફિટનેસ અંગે સમજ આપી હતી. તથા ડ્રાઇવરોને પડતી મુશ્કેલીઓ તેમજ સલામતી અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી.