GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી

Gujarat Sees Record Vijayadashami Auto Sales: દેશમાં 22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ પડતા સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને થયો હોઈ આ વર્ષે નવરાત્રિથી દશેરના દિવસોમાં કાર-ટુ વ્હિલરના જંગી વેચાણ સાથે સારી એવી તેજી આ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી છે. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દશેરા (બીજી ઓક્ટોબર)ના દિવસે ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે.
અમદાવાદમાં 6 હજાર ટુ વ્હિલર અને 2400 કારની ડિલિવરી થઈ
નવરાત્રીથી દશેરાના 10 દિવસમાં જ ગુજરાતમાં 1 લાખથી 1.10 લાખ જેટલા ટુ વ્હિલર બુક થયા હતા અને ડિલિવરી થયા છે. જ્યારે આ દસ દિવસમાં 22 હજારથી 24 હજાર કારનું બુકિંગ થયુ હતુ. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશને જાહેર કરેલી માહિતી મુજબ, જીએસટી 2.0ના અમલ બાદ ઓટો ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી જોવા મળી છે. ટુ વ્હિલરની એવરેજ કિંમતમાં 10 હજાર સુધી અને કારની કિંમતમાં એક લાખ સુધીનો મોટો ઘટાડો થયો છે. જેની અસર ગાડીઓ-ટુ વ્હિલરના બુકિંગમાં જોવા મળી છે.
કારના બુકિંગમાં એસયુવી કારનું બૂકિંગ સૌથી વધારે છે. દશેરાના શુભ મુહૂર્તમાં ગાડી-બાઈકની ડિલિવરી લેવા માંગતા ગ્રાહકોની મોટી ડિમાન્ડને પગલે દશેરાના એક જ દિવસમાં ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે.
આ પણ વાંચો: કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ
અમદાવાદમાં આજે દશેરાએ 6 હજાર ટુ વ્હિલર અને 2400 કારની ડિલિવરી થઈ છે. જ્યારે નવરાત્રિથી દશેરા સુધીના દસ દિવસમાં ગુજરાતમાં 1.05 લાખથી 1.10 લાખ સુધી ટુ વ્હિલર બૂક થયા છે અને ડિલિવરી થયા છે. જ્યારે 22 હજારથી 24 હજાર કારનું બુકિંગ થયુ છે અને ડિલિવરી થઈ છે. અમદાવાદ જિલ્લામાં ટુ વ્હિલરમાં 14થી 15 હજાર તેમજ કારમાં 5500થી 6 હજારનું બુકિંગ થયુ હતું. વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં કાર-ટુ વ્હિલરના બુકિંગમાં-વેચાણમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં દસ દિવસમાં જ એક હજાર કરોડની કિંમતના ટુ વ્હિલર અને 2300 કરોડ રૂપિયાની કારનું જંગી વેચાણ થયું છે.